પંચકૂલાની શાળામાં હચમચાવતી ઘટના! ધોરણ 3ના વિદ્યાર્થીએ KGની દિવ્યાંગ બાળકી પર પથ્થરથી હુમલો કર્યો

હરિયાણા: હરિયાણાના પંચકૂલામાંથી શાળામાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી દે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ KGમાં ભણતી એક સ્પેશિયલ ચાઇલ્ડ બાળકીને પથ્થરો અને ફૂલના કુંડા વડે નિર્દયતાથી માર માર્યો હતો. હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈને બેભાન થઈ ગઈ હતી. આટલું જ નહીં, બાળકી બેભાન થયા બાદ પણ તેના પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ તેને લાંબા સમય સુધી ઘસડવામાં આવી હતી. ગંભીર હાલતમાં બાળકીને ચંડીગઢની PGI હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
પથ્થરો અને કુંડાથી કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, પંચકૂલાની એક શાળામાં આ ચોંકાવનારી ઘટના બની હતી. ધોરણ 3માં ભણતા એક વિદ્યાર્થીએ KGમાં અભ્યાસ કરતી સ્પેશિયલ ચાઇલ્ડ બાળકીને નિશાન બનાવી હતી. આરોપી વિદ્યાર્થીએ પહેલાં બાળકી પર પથ્થરોથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફૂલનો કુંડો ઉઠાવી તેના પર પ્રહાર કર્યા હતા.
હુમલો એટલો ગંભીર હતો કે બાળકી બેભાન થઈ ગઈ હતી. જોકે, આક્ષેપ મુજબ બેભાન અવસ્થામાં પણ તેના પર પથ્થરોથી હુમલો ચાલુ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીને ઘસડીને લઈ જવામાં આવી હતી.
ગંભીર હાલતમાં PGI ચંડીગઢ રિફર
ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક પંચકૂલાની સેક્ટર-6 સ્થિત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ચંડીગઢની PGI હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
હાલમાં બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ તપાસમાં જોતરાઈ, શાળા સંચાલન પાસેથી માહિતી મેળવાઈ
ઘટનાની જાણ થતાં જ સેક્ટર-20 પોલીસ સ્ટેશનના પ્રભારી યશદીપ અને તપાસ અધિકારી પ્રદીપ કુમાર પોલીસ ટીમ સાથે શાળાએ પહોંચ્યા હતા. પોલીસે શાળા સંચાલન પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે.
આ ઉપરાંત હુમલો કરનાર વિદ્યાર્થીના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલી નાની ઉંમરના બાળકે આવું ગંભીર પગલું કયા સંજોગોમાં ભર્યું અને ઘટના પાછળનું કારણ શું છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
શાળાઓમાં બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલ
શાળાના પરિસરમાં બનેલી આ ઘટનાએ વાલીઓમાં ચિંતા જગાવી છે. ખાસ કરીને નાની ઉંમરનાં અને વિશેષ સંભાળની જરૂરિયાત ધરાવતાં બાળકોની સુરક્ષા તથા શાળામાં દેખરેખની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. બાળકીની તબિયત અને તપાસમાં સામે આવતી વિગતો પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં ગુજરાતીઓની પસંદગી બદલાઈ, સિક્કિમ-દાર્જિલિંગ હોટફેવરિટ, વિદેશમાં વિયેતનામનો ક્રેઝ વધ્યો












