ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ! દિલ્હીમાં 10 વર્ષના બાળકના પેટમાં ઘૂસી ગયો રોકેટ

દિવાળીના પર્વ પર ફટાકડાની ખુશીઓ વચ્ચે દિલ્હીમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. બહારની દિલ્હી વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે રોકેટ સીધો 10 વર્ષના બાળકના પેટમાં ઘૂસી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. પરિવારજનો બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે ઘરમાં દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યાં ગણતરીની ક્ષણોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી સારવારમાં બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

ફટાકડા ફોડતી વખતે બાળકના પેટમાં વાગ્યો રોકેટ

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા નરેલા પોલીસ સ્ટેશન હદની રાજીવ કોલોનીમાં બની હતી. દિવાળીના દિવસે પરિવારના સભ્યોએ પૂજા-પાઠ કર્યા બાદ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન 10 વર્ષનો બાળક પણ રોકેટ ફોડી રહ્યો હતો.

જોકે, રોકેટ આકાશમાં જવાને બદલે અચાનક દિશા બદલીને સીધો બાળકના પેટમાં જઈ વાગ્યો હતો. રોકેટ વાગતાં જ બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવારજનોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. બાળકની ગંભીર હાલત જોઈ પરિવારજનોએ સમય ગુમાવ્યા વિના તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો, પરિવારનો હોબાળો

ઘાયલ બાળકને તાત્કાલિક નરેલાની રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરીને બાળકને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર સાંભળતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

બાળકના મોતથી આઘાતમાં આવેલા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે હોસ્પિટલના તબીબો અને સ્ટાફની બેદરકારીને કારણે તેમના બાળકનો જીવ બચાવી શકાયો નથી. આક્ષેપોને લઈને હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો થયો હતો.

દીકરાના મોતના સમાચાર સાંભળતાં પિતાની તબિયત લથડી

10 વર્ષના વ્હાલસોયા દીકરાના મોતના સમાચાર સાંભળીને હોસ્પિટલ પહોંચેલા પિતાની પણ તબિયત અચાનક લથડી હતી. એક તરફ દીકરાના મોતનો અસહ્ય આઘાત અને બીજી તરફ પિતાની બગડતી તબિયતને કારણે પરિવારની સ્થિતિ અત્યંત કરુણ બની ગઈ હતી.

જે પરિવારમાં થોડા સમય પહેલાં દિવાળીની ખુશીઓ અને ઉત્સાહનો માહોલ હતો, ત્યાં હવે માતમ છવાઈ ગયો હતો.

પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો, તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની અને પરિવાર દ્વારા હોસ્પિટલ સામે કરવામાં આવેલા બેદરકારીના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાજકોટમાં દિવાળીની રાત્રે આગનું તાંડવ! અનેક વિસ્તારમાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડ દોડતી રહી

Back to top button