રાજકોટમાં દિવાળીની રાત્રે આગનું તાંડવ! અનેક વિસ્તારમાં આગ ભભૂકી, ફાયર બ્રિગેડ દોડતી રહી

દીપોત્સવના મહાપર્વ દિવાળીની રાત્રે રંગીલા રાજકોટમાં રોશની અને આતશબાજી વચ્ચે આગની ઉપરાઉપરી ઘટનાઓએ ભારે અફરાતફરી સર્જી હતી. ફટાકડાના તણખા અને રોકેટના કારણે શહેરના ઔદ્યોગિક, રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારોમાં અનેક સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. માર્કેટયાર્ડ પાસે આવેલા બંગડીના કારખાનાથી લઈને ગુરુ પ્રસાદ ચોકની પ્લાસ્ટિક ફેક્ટરી, યાજ્ઞિક રોડના શોપિંગ કોમ્પ્લેક્સ અને જૂના એરપોર્ટ વિસ્તાર સુધી આગની ઘટનાઓ બનતાં ફાયર વિભાગ દોડતું થયું હતું. દિવાળીની રાત્રે સતત ઇમરજન્સી કોલ મળતાં રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ આખી રાત ખડેપગે રહ્યું હતું. જોકે, ફાયર ફાઇટરોની સમયસૂચક કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
માર્કેટયાર્ડ પાસે બંગડીના કારખાનામાં વિકરાળ આગ
રાજકોટમાં આગની સૌથી ચિંતાજનક ઘટનાઓમાંની એક માર્કેટયાર્ડ નજીક આવેલા બંગડી બનાવવાના કારખાનામાં બની હતી. ફટાકડાનો તણખો કારખાનામાં પડતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કારખાનામાં જ્વલનશીલ સામગ્રીનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નજીકનાં રહેણાંક મકાનોમાં રહેતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને આસપાસનાં મકાનો સુધી પ્રસરતી અટકાવી હતી.
ગુરુ પ્રસાદ ચોકની પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગથી કાળા ધુમાડાના ગોટેગોટા
ગુરુ પ્રસાદ ચોક નજીક આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં પણ ફટાકડાના તણખાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સતત પાણીનો મારો ચલાવી ફાયર જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
યાજ્ઞિક રોડના શોપિંગ કોમ્પ્લેક્સ અને કાર શોરૂમમાં પણ આગ
રાજકોટના ધમધમતા અને પોશ વિસ્તાર યાજ્ઞિક રોડ પર આવેલા એક બહુમાળી શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નહોતું, જોકે ફટાકડાના તણખાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઘટનામાં કોમ્પ્લેક્સની સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. જોકે, ફાયર વિભાગ સમયસર પહોંચી જતાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ ઉપરાંત શહેરમાં એક કાર શોરૂમ અને વાહનો નજીક પણ આગના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. જેના કારણે દિવાળીની રાત્રે ફાયર વિભાગની કામગીરીમાં સતત વધારો થયો હતો.
જૂના એરપોર્ટ વિસ્તારમાં ખુલ્લા વંડામાં આગ ભભૂકી
જૂના એરપોર્ટ વિસ્તારમાં આવેલા ખુલ્લા વંડામાં પણ આગ લાગવાની ઘટના બની હતી. વંડામાં પડેલા કચરા અને સૂકા ઘાસચારાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક પછી એક આગની ઘટનાઓ બનતાં ફાયર વિભાગ માટે પરિસ્થિતિ પડકારજનક બની હતી.
રાતભર ફાયર બ્રિગેડનું ઓપરેશન, સદનસીબે જાનહાનિ ટળી
દિવાળીની રાત્રે રાજકોટના ફાયર કંટ્રોલ રૂમમાં એક પછી એક ઇમરજન્સી કોલ આવતા રહ્યા હતા. પરિણામે શહેરના તમામ ફાયર સ્ટેશનોના જવાનો અને અધિકારીઓ આખી રાત સાયરન વગાડતા આગ લાગ્યાના સ્થળોએ દોડતા રહ્યા હતા.
ફાયર ફાઇટરોની ટીમોએ અનેક સ્થળોએ જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરી કરી હતી. સમયસર પહોંચીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ વિવિધ સ્થળોએ કારખાનાં, કોમ્પ્લેક્સ, માલસામાન અને વાહનોને મોટું આર્થિક નુકસાન થયું હતું.
જોકે, આ તમામ ઘટનાઓ વચ્ચે રાહતની વાત એ રહી કે કોઈ પણ બનાવમાં નાગરિકો કે શ્રમિકોના દાઝવાના કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નહોતા.
આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળીની રાત્રે હોબાળો! બોડકદેવના સ્કાય વ્યૂ ફ્લેટ પર ટોળાનો હુમલો, 3 રાઉન્ડ ફાયરિંગ












