મુંબઈમાં ત્રણ ગુજરાતી ભાઈ-બહેનનાં શંકાસ્પદ સામૂહિક આપઘાતથી ચકચાર
3 Gujarati Died In Mumbai Virar: વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ ફ્લેટમાં રહેતા ત્રણ અપરિણીત ગુજરાતી ભાઈ-બહેનનાં મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં ત્રણેયે બીમારી અને આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મૃતકોની ઓળખ 50 વર્ષીય કુમાર મહેતા, 52 વર્ષીય દીપેશ મહેતા અને 48 વર્ષીય ખેવના મહેતા તરીકે થઈ છે. ત્રણેય મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા જાફરાબાદનાં વતની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટીમાં ગાર્ડન એવન્યુ બિલ્ડિંગના ડી વિંગમાં આવેલા ફ્લેટ નંબર 1203માં રહેતા હતા.
ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં ઘટનાનો પર્દાફાશ
ગુરુવારે સવારે ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં આસપાસના રહેવાસીઓને શંકા ગઈ હતી. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં બોલિંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે બપોરે આશરે અઢી વાગ્યે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ફ્લેટમાં તપાસ કરતાં ત્રણેય ભાઈ-બહેનના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા.
બીમારી અને આર્થિક સંકડામણથી પરેશાન હોવાની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય ભાઈ-બહેન અપરિણીત હતા અને વર્ષ 2025થી આ ફ્લેટમાં ભાડે રહેતા હતા. ત્રણમાંથી એક ભાઈ-બહેનને સ્ટ્રોક આવ્યો હતો, જ્યારે અન્ય એક કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ત્રણેયે મૃત્યુ પહેલાં ગુજરાતીમાં વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે પોતાની બીમારી અને આર્થિક સંકડામણનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.
ત્રણથી ચાર દિવસ પહેલાં મોત થયાની આશંકા
બોલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ કાવલેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ ત્રણેયે આશરે ત્રણથી ચાર દિવસ પહેલાં ઝેર પીધું હોવાની આશંકા છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસે મૃતકોની અન્ય એક બહેનનો પણ સંપર્ક કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે ત્રણેય ભાઈ-બહેન છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં. તેમણે તેની પાસે પણ આર્થિક મદદ માગી હતી.
હાલમાં બોલિંજ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે ત્રણેયનાં મોત પાછળનાં ચોક્કસ કારણો જાણવા મળશે.
આ પણ વાંચો: હસીના સરકારના પતન પહેલાં યુનુસ સાથે સંપર્ક, AFP પત્રકારની ભૂમિકાનો ખુલાસો











