નેશનલ

મહારાષ્ટ્ર SIR વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં: ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ, 33 ટકા નામ હટાવાયાનો આરોપ

Supreme Court Maharashtra Electoral Roll Plea: મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને પડકારતી મહત્વપૂર્ણ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે આ મામલે ભારતના ચૂંટણી પંચ (ECI), કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને સત્તાવાર નોટિસ ફટકારીને તમામ પાસેથી જવાબો માંગ્યા છે. સર્વોચ્ચ અદાલતે આ સંવેદનશીલ કેસની આગામી સુનાવણી 5 નવેમ્બરના રોજ નક્કી કરી છે.

“પુણે સહિતના વિસ્તારોમાં 40.6 ટકા મતદારોના નામ ગાયબ”

અરજદાર અરુણ આનંદગીરી વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારએ ગંભીર દાવો કર્યો હતો કે SIR ની પ્રક્રિયા દરમિયાન મહારાષ્ટ્રમાં મોટા પાયે મતદારોના નામો યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે સમગ્ર રાજ્યમાં આશરે 33 ટકા મતદારોના નામો કાઢી નાખવામાં આવ્યા છે, જ્યારે પુણે અને તેના આસપાસના અન્ય કેટલાક વિસ્તારોમાં આ આંકડો 40.6 ટકા સુધી પહોંચી ગયો છે, જે અત્યંત ચિંતાજનક છે.

1.20 કરોડ રેકોર્ડમાં વિસંગતતા અને રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની અસર

અરજીમાં જણાવાયું છે કે ચૂંટણી પંચ દ્વારા જ આશરે 1.20 કરોડ મતદારોના રેકોર્ડમાં તાર્કિક વિસંગતતાઓ દર્શાવવામાં આવી છે. કોર્ટને માહિતગાર કરવામાં આવ્યા હતા કે મુંબઈ અને પુણેમાં હાલ 3,500 જેટલા પુનર્વિકાસ (રી-ડેવલપમેન્ટ) પ્રોજેક્ટ્સ કાર્યરત છે. જેમાં જૂની ઇમારતો તોડી પાડવાના કારણે હજારો પરિવારોને અન્ય સ્થળે શિફ્ટ થવું પડ્યું છે. આ કારણોસર સરનામાંઓ અને અંગત વિગતો મેચ ન થવાથી હજારો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાયમી ધોરણે રદ થવાનું મોટું જોખમ ઉભું થયું છે.

ફોર્મ-6 ના ફરજિયાત ઉપયોગ સામે વિરોધ

અરજદારના વકીલે વધુમાં દલીલ કરી હતી કે જે લોકો પહેલેથી જ નોંધાયેલા મતદારો છે તેમને ફરીથી નોંધણી માટે ફોર્મ 6 ભરવાની ફરજ પાડવી સદ્દંતર ગેરકાયદેસર છે, કારણ કે ફોર્મ 6 માત્ર નવા મતદારો માટે હોય છે. તેમણે દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા વધારવા અને અંતિમ મતદાર યાદીના પ્રકાશન પર વચગાળાનો સ્ટે આપવા માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી સમયમર્યાદા લંબાવવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે જો સુનાવણી દરમિયાન જણાય કે લોકો દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે તો આદેશ જારી કરીને સમય લંબાવી શકાશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

16 નવેમ્બરના રોજ જાહેર થશે આખરી મતદાર યાદી

ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં SIR ની પ્રક્રિયા માટે અગાઉથી જ સમયપત્રકમાં ફેરફાર કર્યો હતો. જે મુજબ દાવાઓ અને વાંધા દાખલ કરવાની તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 12 ઓક્ટોબર કરવામાં આવી હતી. હાલ આ વાંધા-અરજીઓ પર પ્રક્રિયા કરવાની કામગીરી 10 નવેમ્બર સુધી ચાલુ રહેશે, જ્યારે રાજ્યની અંતિમ મતદાર યાદીનું સત્તાવાર પ્રકાશન હવે 16 નવેમ્બર, 2026 ના રોજ થવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચાબુક: મહિલા વકીલો માટે શૌચાલય ન હોવા પર CJI લાલચોળ!

Back to top button