ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં નવો વળાંકઃ આમિર ખાન હતો પહેલું નિશાન? એક મહિના સુધી રેકી કર્યાનો દાવો

Tiger Shroff Firing: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં તપાસ દરમિયાન નવી વિગતો સામે આવી છે. અહેવાલો અનુસાર હુમલાખોરોએ શરૂઆતમાં અભિનેતા આમિર ખાનને નિશાન બનાવવાની યોજના ઘડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કથિત હુમલાખોરોએ લગભગ એક મહિના સુધી તેમની ગતિવિધિઓ પર નજર રાખી હતી. જોકે આમિર ખાન સુધી પહોંચવામાં મુશ્કેલી પડતાં આરોપીઓએ ટાઈગર શ્રોફ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું પોલીસ સૂત્રોને ટાંકીને જણાવાયું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આમિર ખાનના ઘરની આસપાસ ત્રણ વખત રેકી કર્યાનો દાવો
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, તપાસ સાથે સંકળાયેલા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ આરોપીઓ લગભગ એક મહિના સુધી મુંબઈમાં રોકાયા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ આમિર ખાનના નિવાસસ્થાનની આસપાસ ઓછામાં ઓછા ત્રણ વખત ગયા હોવાનું સામે આવ્યું છે. આમિર ખાન ફિલ્મોના શૂટિંગ માટે વારંવાર બહાર જતા હોવાથી અને કેટલીક વખત લાંબા સમય સુધી ઘરની અંદર રહેતા હોવાથી શંકાસ્પદ હુમલાખોરો તેમના સુધી પહોંચી શક્યા નહોતા. ત્યાર બાદ ટાઈગર શ્રોફને નિશાન બનાવવાની યોજના ઘડાઈ હોવાનો દાવો છે.
ટાઈગર શ્રોફને કેમ નિશાન બનાવાયા?
અહેવાલ મુજબ ટાઈગર શ્રોફ રવિવારે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા મેદાનમાં ફૂટબોલ રમવા જતા હોવાથી તેમની અવરજવર અંગે આરોપીઓને જાણકારી મળી હતી. 18 ઓક્ટોબરે જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બની હતી. બાઈક પર આવેલા હુમલાખોરોએ કાર પર ગોળીઓ ચલાવી હતી અને ત્યાર બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓને અભિનેતાની ગતિવિધિઓ વિશે કોણે માહિતી આપી હતી અને હુમલા બાદ ભાગવામાં તેમને અન્ય કોઈ વ્યક્તિએ મદદ કરી હતી કે નહીં.
ફાયરિંગ કેસમાં અત્યાર સુધી 11 આરોપીની ધરપકડ
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી 22 વર્ષીય પ્રાંજલ ઠકરાન નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ પ્રાંજલ મૂળ હરિયાણાના સોનીપતનો રહેવાસી છે. પોલીસ આ કેસમાં આરોપીઓની ભૂમિકા, તેમને મદદ કરનારાઓ અને કથિત ષડયંત્રના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.
સુરતમાંથી બે હથિયાર મળી આવ્યાં
આ કેસની તપાસનો તાર ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઈ પોલીસે સુરતમાંથી બે હથિયાર કબજે કર્યાં હોવાના અહેવાલ છે. આ હથિયારોનો ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગમાં ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. તપાસ એજન્સીઓ હથિયારોની હેરફેર અને આરોપીઓ વચ્ચેના સંભવિત સંબંધોની પણ તપાસ કરી રહી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી અંગે તપાસ
આ ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક અહેવાલોમાં આમિર ખાન ઉપરાંત અન્ય બોલિવૂડ કલાકારોનાં નિવાસસ્થાનોની આસપાસ પણ રેકી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. જોકે અલગ-અલગ અહેવાલોમાં શરૂઆતના નિશાન અંગે જુદી વિગતો સામે આવી છે. આથી હુમલાની યોજના અને તેનું વાસ્તવિક નિશાન કોણ હતું તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
પોલીસ તપાસમાં હજુ અનેક સવાલોના જવાબ બાકી
ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ પાછળનો ચોક્કસ હેતુ, આરોપીઓને સૂચના આપનાર લોકો, હથિયારોની વ્યવસ્થા અને બોલિવૂડના અન્ય કલાકારો સાથે સંકળાયેલી કથિત યોજનાઓ અંગે તપાસ ચાલી રહી છે. આમિર ખાનને પ્રથમ નિશાન બનાવવાના દાવાની હજુ તપાસ ચાલી રહી છે અને પોલીસ તપાસ બાદ જ સવાલોના જવાબ મળશે.












