
Bhopal ISBT Bus Stand Fire: રવિવારે રાત્રે મધ્ય પ્રદેશની રાજધાની સ્થિત ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનલ (ISBT) પર અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો હતો. જોતજોતામાં આગની જ્વાળાઓએ વર્મા ટ્રાવેલ્સની 7 જેટલી બસોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. બસોમાંથી નીકળતી ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના 10 એન્જિન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ તમામ બસો ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
એક બસમાંથી 7 બસોમાં ફેલાઈ કાળમુખી આગ
મળતી વિગતો અનુસાર, રવિવારે રાત્રે ISBT પરિસરમાં પાર્ક કરેલી એક બસમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે એટલું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે નજીકમાં પાર્ક કરેલી અન્ય બસો પણ તેની લપેટમાં આવી ગઈ હતી. આ અગ્નિકાંડમાં નાગપુર, અમદાવાદ, સુરત, બાલાઘાટ, સિઓની અને ઈન્દોર જેવા મહત્વના રૂટ પર દોડતી વર્મા ટ્રાવેલ્સની 7 બસો સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગઈ હતી.
બસ ટર્મિનલ ખાલી કરાવાયું
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક આસપાસનો વિસ્તાર ખાલી કરાવીને સુરક્ષા કોર્ડન સર્જી દીધો હતો. ઘટનાસ્થળની બિલકુલ નજીકમાં જ કેટલાક તેલના ટેન્કરો પાર્ક કરેલા હોવાથી સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ હતી. જો આગ તેલના ટેન્કર સુધી પહોંચી હોત તો મોટો ધમાકો થઈ શક્યો હોત. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ ટેન્કર આગની ઝપેટમાં આવ્યું નહોતું અને મોટી આપત્તિ ટળી ગઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દક્ષિણ ભારત જતી અનેક બસ ટ્રિપ્સ રદ
આ ભીષણ આગની ઘટના બાદ વર્મા ટ્રાવેલ્સ દ્વારા દક્ષિણ ભારત તરફ જતી બસો સહિત અનેક મહત્વના રૂટની ટ્રિપ્સ રદ કરવી પડી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ અને ટેકનિકલ ટીમો દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આગના કારણે થયેલા આર્થિક નુકસાનનું આંકલન હાલ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં વિરોધ બન્યો હિંસક: NHPC ઓફિસ અને પોલીસ સ્ટેશનમાં આગચંપી, RAF તૈનાત












