મુંબઈનું પ્રદૂષણ દિલ્હી કરતાં પણ ખતરનાક, બોમ્બે હાઈકોર્ટનો અધિકારીઓને સવાલ: તમે શાંતિથી ઊંઘી કેવી રીતે શકો છો?

Mumbai Air Pollution: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વધી રહેલા વાયુપ્રદૂષણને લઈને બોમ્બે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દરિયાકિનારે વસેલું હોવા છતાં મુંબઈમાં પ્રદૂષણની સ્થિતિ દિલ્હીને પણ પાછળ છોડી રહી હોવા અંગે કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. શહેરમાં બગડતી હવાની ગુણવત્તા, ધુમ્મસ અને તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાના નિયમોના ખુલ્લેઆમ ભંગને લઈને હાઈકોર્ટે પોલીસ, મહાનગરપાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે અધિકારીઓની જવાબદારી પર સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે લાખો લોકો આવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે જવાબદાર અધિકારીઓ શાંતિથી ઊંઘી કેવી રીતે શકે છે?
દરિયાકિનારે આવેલું મુંબઈ પણ પ્રદૂષણથી કેમ બેહાલ?
બુધવાર, 21 ઓક્ટોબરે જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠ સમક્ષ વાયુ અને ધ્વનિપ્રદૂષણ સંબંધિત સુઓ મોટો જાહેરહિતની અરજીની સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે મુંબઈની કથળતી પર્યાવરણીય સ્થિતિને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે મુંબઈને તેની ભૌગોલિક સ્થિતિને કારણે દરિયાઈ પવન અને ખુલ્લી જગ્યાઓનો કુદરતી લાભ મળે છે. આ કારણે શહેરનું આકાશ સ્વચ્છ રહેવું જોઈએ, પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત જોવા મળી રહી છે. વધતા પ્રદૂષણને કારણે મુંબઈનું આકાશ ધુમ્મસથી ઢંકાઈ રહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે મંગળવારે શહેરમાં દૃશ્યતા ઘટીને 500 મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી. આ પરિસ્થિતિને ગંભીર ગણાવતાં કોર્ટે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
લાખો લોકો મુશ્કેલીમાં છે, અધિકારીઓ શાંતિથી કેવી રીતે ઊંઘે છે?
પ્રદૂષણને કારણે સામાન્ય નાગરિકોના આરોગ્ય અને રોજિંદા જીવન પર પડતી અસરને લઈને હાઈકોર્ટે અધિકારીઓને આડે હાથ લીધા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે જ્યારે શહેરના લાખો લોકો કટોકટી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે જવાબદાર અધિકારીઓ નિશ્ચિંત કેવી રીતે રહી શકે? કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદૂષણ નિયંત્રણ માટે અગાઉ આપવામાં આવેલા આદેશોનું યોગ્ય પાલન થતું નથી. નિયમો બનાવવામાં આવે છે, પરંતુ જમીન પર તેનો અમલ જોવા મળતો નથી. આ સ્થિતિમાં માત્ર કાગળ પર કાર્યવાહી દર્શાવવાને બદલે વાસ્તવિક પરિણામો લાવવાની જરૂર હોવાનું ખંડપીઠે જણાવ્યું હતું.
જાહેર રસ્તાઓ પર ફટાકડા અને ડીજેના નિયમોનું ઉલ્લંઘન
હાઈકોર્ટે તહેવારો દરમિયાન જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા અને મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાના મુદ્દે પણ આકરી નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે અગાઉ જાહેર રસ્તાઓ, ગલીઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ માત્ર દિવાળી પૂરતો નહીં પરંતુ આખું વર્ષ તમામ તહેવારોને લાગુ પડે છે. તેમ છતાં ઘણા વિસ્તારોમાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સરઘસોમાં મ્યુઝિક સિસ્ટમ માટે પૂર્વ મંજૂરી અને નિર્ધારિત ડેસિબલ મર્યાદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની હોવા છતાં બેદરકારી જોવા મળતી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
મુંબઈ પોલીસ કમિશનરને SOP તૈયાર કરવા આદેશ
નિયમોનું અસરકારક અમલીકરણ થાય તે માટે બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસ કમિશનરને તમામ પોલીસ સ્ટેશનના પ્રભારીઓ સાથે બેઠક યોજવા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. આ SOPમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવાના પ્રતિબંધ, મંજૂરી વિના સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ અને ધ્વનિપ્રદૂષણના નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવા માટેની વ્યવસ્થા નક્કી કરવાની રહેશે.
પોલીસ કમિશનરને આદેશોના પાલન અંગે સોગંદનામું રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે. કોર્ટે ચેતવણી આપી હતી કે અધિકારીઓની બેદરકારીથી નાગરિકોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બંધારણની કલમ 14 અને 21નો ઉલ્લેખ
હાઈકોર્ટે જણાવ્યું હતું કે નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણમાં જીવવાનો અધિકાર છે. પ્રદૂષણને કારણે લોકોના આરોગ્યને નુકસાન પહોંચે ત્યારે સરકારી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ખંડપીઠે બંધારણની કલમ 14 અને 21નો ઉલ્લેખ કરીને નાગરિકોના સમાનતા અને જીવનના અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી સરકારી તંત્રની હોવાનું જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પ્રદૂષણ નિયંત્રણના આદેશોની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે.
24 ઓક્ટોબર સુધીમાં જાગૃતિ અભિયાન, 26મીએ વધુ સુનાવણી
હાઈકોર્ટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB)ને પ્રદૂષણ અંગે જનજાગૃતિ વધારવા નિર્દેશ આપ્યો છે. બંને સંસ્થાઓએ 24 ઓક્ટોબર સુધી સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા જાહેર સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની રહેશે. આ ઉપરાંત નિયમોના અમલીકરણ માટે લેવામાં આવેલા પગલાં અંગે સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. પ્રદૂષણ સંબંધિત આ મામલાની આગામી સુનાવણી 26 ઓક્ટોબરે યોજાવાની છે.












