મહેસાણાના ટ્રસ્ટની આડમાં લાખોની ઠગાઈ, વધુ વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા

investment-fraud: ગુજરાતમાં ઓછા રોકાણે ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના માય હેપી જીવન (MHJ) ફાઉન્ડેશન ટ્રસ્ટની આડમાં રોકાણકારો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરાયા હોવાનો આક્ષેપ છે. શરૂઆતમાં રોકાણકારોને વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ એપ્લિકેશનની વિવિધ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ મામલે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ટ્રસ્ટના CEO પિયુષ વ્યાસ, ડેપ્યુટી CEO આરજુ બારોટ સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરાવી રકમ પડાવી
ફરિયાદ મુજબ, મહેસાણામાં આવેલી MHJ ફાઉન્ડેશનના CEO પિયુષ કનૈયાલાલ વ્યાસ, ડેપ્યુટી CEO આરજુ બારોટ અને અન્ય સાથીદારોએ કથિત રીતે પૂર્વઆયોજિત કાવતરું ઘડી અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કર્યા હતા. રોકાણકારોને ઓછા સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. ગઢડાના ગોરડકા ગામના 43 વર્ષીય પ્રવીણભાઈ સરવૈયા પણ આ યોજનામાં રોકાણ કરી બેઠા હતા. તેમણે ચેલેન્જ-30, વીસાટ્રેડ અને પ્રોજેક્ટ-220 સહિતની સ્કીમોમાં કુલ ₹8,65,814નું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત તેમના મિત્રો, ઓળખીતાઓ અને અન્ય લોકોએ પણ વધુ વળતરની આશામાં નાણાં રોક્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
શરૂઆતમાં વળતર આપ્યું, પછી સેવાઓ બંધ કરી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં રોકાણકારોને વળતરની રકમ ચૂકવવામાં આવતી હતી. તેના કારણે લોકોનો વિશ્વાસ વધ્યો અને વધુ લોકોએ રોકાણ કર્યું. જોકે, મોટી રકમ એકત્ર થયા બાદ એપ્લિકેશનની વિવિધ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પ્રવીણભાઈના ₹7,21,750 પરત ન મળતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. અન્ય રોકાણકારોની પણ લાખો રૂપિયાની રકમ પરત ન મળી હોવાનો આક્ષેપ છે.
ગામમાં મીટિંગ યોજી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે પિયુષ વ્યાસે ગોરડકા ગામમાં આવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે 500થી 700 લોકોને ભેગા કરીને બિઝનેસ મીટિંગ યોજી હતી. આ દરમિયાન રોકાણકારોને ખાતરી આપવામાં આવી હતી કે યોજનામાં કોઈના પૈસા ડૂબશે નહીં. આ પ્રકારની ખાતરીઓ આપીને લોકોનો વિશ્વાસ જીતવામાં આવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ દેશના અલગ-અલગ રાજ્યોના લોકો સાથે ઝૂમ એપ્લિકેશન મારફતે ઓનલાઈન મીટિંગ પણ યોજવામાં આવી હતી.
બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી
પ્રવીણભાઈ સરવૈયાની ફરિયાદના આધારે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે પિયુષ કનૈયાલાલ વ્યાસ, આરજુ બારોટ અને તપાસમાં સામે આવે તેવા અન્ય લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), IT એક્ટ, અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ સંબંધિત કાયદા તથા રોકાણકારોના હિતના રક્ષણને લગતી જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર નાણાકીય વ્યવહાર, રોકાણકારોની સંખ્યા અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ કરી રહી છે. આરોપો અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ આવશે.
પાલિતાણામાં ક્રેડિટ કાર્ડના ડેટાની ચોરીથી ₹1.17 લાખની ઠગાઈ
દરમિયાન, ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પણ સાયબર છેતરપિંડીનો બીજો કિસ્સો નોંધાયો છે. 29 વર્ષીય બિહારીદાન ખોડુભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને OTP મળ્યા બાદ તેમના SBI તથા HDFC ક્રેડિટ કાર્ડના ડેટાનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, બે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹1,17,214ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : 58 બાળકો અને 4 પત્નીઓનો પરિવાર! અફઘાનિસ્તાનના આ વ્યક્તિની કહાની સાંભળી ચોંકી જશો












