અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદીઓને ટ્રાફિકજામથી રાહત મળશે, 35 કટ બંધ અને 6 નવા કટ ખુલશે

Ahmedabad Traffic Plan:  અમદાવાદમાં વાહનોની વધતી સંખ્યા સાથે ટ્રાફિકની સમસ્યા (traffic jam)પણ સતત ગંભીર બની રહી છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન શહેરના અનેક મુખ્ય જંક્શનો પર વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. આ સમસ્યાને ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન (traffic-plan) તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્લાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ડિવાઈડર કટમાં ફેરફાર, નવા ટ્રાફિક સિગ્નલ, સ્પીડ બમ્પ સહિતના પગલાં લેવામાં આવી શકે છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના એવા વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો હતો જ્યાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. સર્વેના આધારે સંબંધિત સ્થળોએ જરૂરી ફેરફાર કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.

35 સ્થળે ડિવાઈડર કટ બંધ કરવાની ભલામણ

ટ્રાફિક પોલીસના સર્વેમાં સામે આવ્યું છે કે કેટલાક ચાર રસ્તા પર સીધા અને ક્રોસ થતા વાહનોને કારણે ટ્રાફિકનો પ્રવાહ વારંવાર અટકી જાય છે. આ સમસ્યા ઘટાડવા માટે શહેરના 35 સ્થળે હાલના ડિવાઈડર કટ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ પ્રકારની વ્યવસ્થામાં ચાર રસ્તા પર સીધું ક્રોસિંગ ઘટાડીને વાહનોને આગળના અંતરે યુ-ટર્ન અથવા વૈકલ્પિક કટ આપવામાં આવે છે. તેના કારણે જંક્શન પર વાહનોની અવરજવર વધુ વ્યવસ્થિત રહેવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ અને મનપાની ટીમ દ્વારા સ્થળનું સંયુક્ત નિરીક્ષણ કર્યા બાદ કયા કટ બંધ કરવા અને કઈ જગ્યાએ ફેરફાર કરવો તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

નવા બમ્પ અહીં બનશે

ક્રમ સ્થળ
1 ફૂડપાર્ક વિભાગ-04, કમડ સર્કલ પાસે, ચાણક્યપુરી
2 સવિત્રીનગર, ચાંદલોડીયા આગળનો કટ
3 સોના-મોતી જ્વેલર્સ, ચાણક્યપુરી કટ
4 દ્વારકેશ કારવોશ આગળનો કટ
5 ગોતા ગામ જતો કટ
6 ઉદગમ સ્કુલ આગળનો કટ
7 સિંધુભવન હોટલથી મેંગો રેસ્ટોરન્ટ તરફનો કટ
8 થલતેજ ચાર રસ્તા
9 દધીચી બ્રિજથી જુના વાડજ સર્કલ વચ્ચે દુધનાથ મહાદેવ મંદિર સામેનો કટ
10 વેલકમ હોટલ સામેનો કટ
11 જીવરાજ ચાર રસ્તાથી જીવરાજ મહેતા હોસ્પીટલ પેટ્રોલ પંપ વાળો કટ
12 જીવરાજ સોસાયટી સામેનો કટ
13 બળીયાદેવ મંદિર પાસે શાંતી કોમ્પ્લેક્સ વાળો કટ
14 મહાલક્ષ્મી પાંચ રસ્તા ખાતે આવેલો કટ
15 જમાલપુર બ્રિજ ઉતરતા ઉત્તર છેડાના ભાગે AMC ઓફીસની સામે
16 પાણી ટાંકી ગાંધી આશ્રમ

6 સ્થળે નવા કટ ખોલવાની યોજના

જ્યાં ટ્રાફિકની અવરજવર માટે જરૂરી હોય ત્યાં નવા ડિવાઈડર કટ ખોલવાનું પણ સૂચવાયું છે. શહેરના 6 સ્થળે નવા કટ ખોલવાની ભલામણ કરવામાં આવી છે. તેનો હેતુ વાહનોને લાંબો ચક્કર લગાવ્યા વગર યોગ્ય દિશામાં જવા માટે વૈકલ્પિક માર્ગ આપવાનો છે. નવા કટ ખોલતા પહેલાં સંબંધિત રસ્તા પર વાહનોની સંખ્યા, ટ્રાફિકની દિશા અને આસપાસના જંક્શન પર થતી અસરનો અભ્યાસ કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

24 સ્થળે નવા ટ્રાફિક સિગ્નલની ભલામણ

શહેરમાં એવા અનેક ચાર રસ્તા છે જ્યાં વાહનોની સંખ્યા વધારે હોવા છતાં હાલમાં ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા નથી. આવા 24 મહત્વના પોઇન્ટની ઓળખ કરીને ત્યાં આધુનિક ટ્રાફિક સિગ્નલ લગાવવાની ભલામણ કરવામાં આવી છે.

આ સિગ્નલ શરૂ થયા બાદ વાહનોની અવરજવર નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને વધુ ટ્રાફિકવાળા જંક્શનો પર અલગ-અલગ દિશામાં જતા વાહનોને નિયંત્રિત રીતે પસાર કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

35 જગ્યાએ સ્પીડ બમ્પ બનાવાશે

ટ્રાફિક જામની સાથે અકસ્માતો ઘટાડવા માટે પણ કેટલાક મહત્વના પગલાં સૂચવવામાં આવ્યા છે. શહેરના વિવિધ રસ્તાઓ પર 35 સ્થળે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન મુજબ સ્પીડ બમ્પ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યાં વાહનોની ઝડપ વધુ રહેતી હોય અને અકસ્માતની શક્યતા વધારે હોય તેવા સ્થળોએ આ વ્યવસ્થા કરવામાં આવી શકે છે. જોકે, સ્પીડ બમ્પ ક્યાં અને કયા માપદંડ પ્રમાણે બનાવવામાં આવશે તે અંગે સ્થળ નિરીક્ષણ બાદ નિર્ણય લેવાશે.

પોલીસ અને મનપાની સંયુક્ત કામગીરી

આ સમગ્ર આયોજનને લઈને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના ટ્રાફિકને વધુ વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે ટ્રાફિક પોલીસ અને મનપાની ટીમ દ્વારા સંબંધિત સ્થળોની મુલાકાત લઈને ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવામાં આવશે. ત્યારબાદ કટ બંધ કરવા, નવા કટ ખોલવા, સિગ્નલ લગાવવા અને સ્પીડ બમ્પ બનાવવાની કામગીરી આગળ વધારવામાં આવી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વાહનચાલકોની શિસ્ત પણ એટલી જ જરૂરી

માત્ર રસ્તાઓમાં ફેરફાર કરવાથી ટ્રાફિકની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ શકે તેમ નથી. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને પણ નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વાહનચાલકો લેન શિસ્ત જાળવે, બિનજરૂરી હોર્ન ન વગાડે, રોંગ સાઈડ પર વાહન ન ચલાવે અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તો ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બની શકે છે. તંત્રના આયોજનની સાથે નાગરિકોની જવાબદારી પણ શહેરના ટ્રાફિક પ્રવાહને સુધારવામાં મહત્વની રહેશે.

આ પણ વાંચો : UNમાં પાકિસ્તાનના જુઠાણા પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Back to top button