ઊંચાં હવાઈ ભાડાં અને ઓફ સિઝનની અસર, અમદાવાદ એરપોર્ટનો ટ્રાફિક સતત બીજા મહિને ઘટ્યો

Ahmedabad Airport Passenger Traffic: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. જુલાઈ-2026માં એરપોર્ટનો કુલ પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે 9.7% ઘટીને 9.15 લાખ રહ્યો હતો. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ ઓફ સિઝન, ઊંચાં હવાઈ ભાડાં, ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં ઘટાડો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીની અસર પ્રવાસની માગ પર પડી છે.
સતત બીજા મહિને મુસાફરોની સંખ્યા ઘટી
અમદાવાદ એરપોર્ટ પર જુન બાદ જુલાઈમાં પણ પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. જુલાઈમાં કુલ પેસેન્જર ટ્રાફિક 9.7% ઘટીને લગભગ 9.15 લાખ રહ્યો હતો. આ પહેલાં જુન 2026માં એરપોર્ટ પરથી 10.27 લાખ મુસાફરોએ અવરજવર કરી હતી, જ્યારે June 2025માં આ આંકડો 11.01 લાખ હતો. એટલે જુનમાં પણ વાર્ષિક ધોરણે પેસેન્જર ટ્રાફિકમાં 6.8%નો ઘટાડો થયો હતો.
આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 16%નો મોટો ઘટાડો
જુલાઈ દરમિયાન સૌથી મોટો ઘટાડો ઈન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં અમદાવાદ એરપોર્ટ પરથી આશરે બે લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ અવરજવર કરી હતી. જુલાઈ-26માં આ સંખ્યા ઘટીને 1.68 લાખ રહી હતી. એટલે આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં વાર્ષિક ધોરણે 16%નો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ડોમેસ્ટીક પેસેન્જર ટ્રાફિક પણ નબળો રહ્યો હતો. સ્થાનિક મુસાફરોની સંખ્યા ગયા વર્ષના 8.13 લાખથી ઘટીને 7.47 લાખ થઈ હતી. એટલે ડોમેસ્ટિક ટ્રાફિકમાં 8.1%નો ઘટાડો થયો હતો.
વિમાનોની અવરજવરમાં પણ 12.2%નો ઘટાડો
માત્ર મુસાફરોની સંખ્યા જ નહીં પરંતુ અમદાવાદ એરપોર્ટ પર એરક્રાફ્ટ મુવમેન્ટમાં પણ ઘટાડો નોંધાયો છે. જુલાઈ 2026માં એરપોર્ટ પર કુલ 6675 એરક્રાફ્ટ મુવમેન્ટ નોંધાઈ હતી. જુલાઈ 2025માં આ સંખ્યા 7,605 હતી. આમ વિમાનોની અવરજવરમાં વાર્ષિક ધોરણે 12.2%નો ઘટાડો નોંધાયો હતો. જુનમાં પણ એરક્રાફ્ટ મુવમેન્ટમાં 13%નો ઘટાડો થયો હતો અને કુલ 7,562 મુવમેન્ટ નોંધાઈ હતી.
જુન-જુલાઈ-ઓગસ્ટ એરલાઇન માટે નબળા મહિના
ટ્રાવેલ ટ્રેડ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ જુન, જુલાઈ અને ઓગસ્ટ સામાન્ય રીતે એરલાઇન ઉદ્યોગ માટે ઓછા પ્રવાસવાળા મહિના ગણાય છે. સમર વેકેશન પુરૂં થયા બાદ પ્રવાસમાં ઘટાડો થતો હોય છે અને ખાસ લોંગ વીકેન્ડ ન હોય તો લેઝર ટ્રાવેલ પણ પ્રમાણમાં ઓછું રહે છે. આ વખતે નબળા ટ્રાવેલ સેન્ટિમેન્ટની સાથે ઊંચાં હવાઈ ભાડાં અને ફ્લાઇટની ઓછી ઉપલબ્ધતાએ પણ મુસાફરોની સંખ્યાને અસર કરી હોવાનું ટ્રાવેલ ક્ષેત્રના જાણકારો માને છે.
ATF મોંઘું થતાં હવાઈ ભાડાં પર અસર
એવિએશન ક્ષેત્ર માટે ATF એક મોટો ખર્ચ છે. ATFના ઊંચા ભાવ અને ફ્લાઇટ સપ્લાયમાં ઘટાડાની અસર એરફેર પર જોવા મળી છે. દેશભરમાં જુલાઈ 2026નો ડોમેસ્ટીક એ પેસેન્જર ટ્રાફિક 120 લાખ રહ્યો હતો, જે જુલાઈ 2025ની સરખામણીએ 4.8% ઓછો હતો. એરલાઈન્સની કેપેસિટી ડેપ્લોયમેન્ટ પણ વાર્ષિક ધોરણે 7.8% ઘટી હતી. હવાઈ ભાડાં મોંઘાં થવાથી જરૂરી ન હોય તેવી મુસાફરી અંગે લોકો વધુ સાવચેત થયા છે.
પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે ફ્લાઈટ પર અસર
અમદાવાદમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ગલ્ફ અને વેસ્ટ એશિયા માટે પ્રવાસ કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તંગદિલીને કારણે એરસ્પેસ રિસ્ટ્રિક્શન, ફ્લાઈટ કેન્સલેશન અને ફ્લાઈટ શિડ્યુઅલમાં ફેરફાર જેવા પડકારો સર્જાયા છે. તેની અસર ઈન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. ICRAના આંકડા મુજબ એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન ભારતીય એરલાઈન્સના ઈન્ટરનેશનલ પેસેન્ડર ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે 23%નો ઘટાડો થયો હતો.
અમદાવાદથી વીકલી ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ ઘટાડો
ફ્લાઇટની ફ્રીકવન્સી ઘટવાથી મુસાફરો માટે ઉપલબ્ધ વિકલ્પો પણ ઓછા થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી સંચાલિત વીકલી ડોમેસ્ટીક ફ્લાઈટની સંખ્યા ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 111 ફ્લાઈટ ઓછી રહી હતી. ટ્રાવેલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દિવાળી પહેલા ફેમિલી ટ્રાવેલની માંગમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે સપ્ટેમ્બરના અંત સુધી દિવાળીની ઈન્કવાયરી સામાન્ય વર્ષોની સરખામણીએ ખાસ ઝડપથી વધી નથી.












