અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદમાં દિવાળીએ હટડી પૂજાની અનોખી પરંપરા, ધંધામાં બરકત માટે સિંધી સમાજની શ્રદ્ધા

 Diwali Tradition  :  દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં માટીના કોડિયા, દીવા અને રંગબેરંગી શણગારની વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળે છે. જોકે, અમદાવાદના નરોડા વિસ્તારમાં આ વખતે માટીની એક ખાસ વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં દિવાળીને ધ્યાનમાં રાખીને માટીની ‘હટડી’નું વેચાણ થઈ રહ્યું છે. સિંધી સમાજમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત નથી, પરંતુ તેની સાથે વેપાર, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસો પણ જોડાયેલો છે.

સિંધી સમાજના લોકો ધનતેરસ અને દિવાળીના દિવસે પોતાના ઘરે માટીની હટડી લાવીને તેની પૂજા કરે છે. માન્યતા મુજબ, હટડીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને ધંધા-રોજગારમાં બરકત આવે છે. આ જ કારણ છે કે દિવાળીના પર્વમાં કોડિયાની સાથે હટડીની ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ રહે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2

શું છે હટડી? જાણો તેની પાછળનું મહત્ત્વ

સિંધી ભાષામાં ‘હટ’નો અર્થ દુકાન અથવા વેપારનું સ્થળ થાય છે. હટડી એટલે નાની દુકાન કે ઘર જેવું દેખાતું માળખું, જેને વેપાર અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પરંપરાગત રીતે માટી અને વાંસની લાકડીઓની મદદથી તેને તૈયાર કરવામાં આવે છે. તેના નીચેના ભાગમાં દીવો અથવા ભગવાનની છબી મૂકવાની વ્યવસ્થા હોય છે. ઉપરના ભાગને માટીથી અર્ધચંદ્રાકાર આકાર આપવામાં આવે છે અને તેના પર નાની દીવી મૂકવામાં આવે છે. ત્યારબાદ કારીગરો તેને વિવિધ રંગોથી સજાવીને વેચાણ માટે તૈયાર કરે છે.

પરિવારના દરેક પુરુષ સભ્યના નામે બને છે અલગ હટડી

સિંધી સમાજની આ પરંપરામાં એક ખાસ વાત એ પણ છે કે પરિવારમાં જેટલા પુરુષ સભ્યો હોય, તેમના નામની અલગ-અલગ હટડી રાખવામાં આવે છે. તેમાં નાના બાળકોથી લઈને ઘરના વડીલોનો પણ સમાવેશ થાય છે. પરિવારમાં નવા પુત્રનો જન્મ થાય ત્યારે તેની નામની હટડી પણ ઉમેરવામાં આવે છે. દિવાળીના દિવસે આ હટડીઓમાં માતા લક્ષ્મીની નાની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ દીવો પ્રગટાવી ધૂપ, દીપ અને મીઠાઈ ધરાવી પૂજા કરવામાં આવે છે. આ રીતે પરિવારના દરેક સભ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

‘લક્ષ્મી આઈ, દાનત વાઈ’ બોલવાની પણ છે પરંપરા

સિંધી સમાજમાં હટડીની પૂજા દિવાળીના દિવસથી લઈને લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. ખાસ કરીને વેપાર સાથે સંકળાયેલા પરિવારો માટે આ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. પૂજા દરમિયાન લક્ષ્મીજી પાસે ધંધામાં પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને પરિવારની સુખાકારીની કામના કરવામાં આવે છે.

આ પરંપરામાં પૂજા બાદ સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવામાં આવે છે. આ દરમિયાન ‘લક્ષ્મી આઈ, દાનત વાઈ’ બોલવામાં આવે છે. આ શબ્દોનો ભાવાર્થ લક્ષ્મીજીનું આગમન અને દરિદ્રતાનું નિવારણ એવો થાય છે. પેઢી દર પેઢી ચાલી આવતી આ વિધિ આજે પણ સિંધી પરિવારોમાં શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહી છે.

બે મહિનાની મહેનત છતાં ₹30થી ₹40માં વેચાય છે હટડી

દિવાળીના તહેવાર પહેલાં હટડીઓ તૈયાર કરવા માટે નરોડા વિસ્તારના કારીગરો છેલ્લા બે મહિનાથી દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. માટીને યોગ્ય આકાર આપવો, વાંસની લાકડીઓ ગોઠવવી, તેને સૂકવવી અને રંગોથી સજાવવી જેવી અનેક પ્રક્રિયાઓ બાદ એક હટડી તૈયાર થાય છે.

અમદાવાદના કુબેરનગર, સરદારનગર, મેમ્કો, જૂના વાડજ, મોટેરા અને સૌરાબજી કંપાઉન્ડ સહિતના સિંધી વસતિ ધરાવતા વિસ્તારોમાં આ હટડીઓની માંગ રહે છે. જોકે, કારીગરોની બે મહિનાની મહેનત સામે એક હટડીનો ભાવ માત્ર ₹30થી ₹40 જેટલો છે. આટલી મહેનત કરવા છતાં યોગ્ય વળતર ન મળવાની તેમની ફરિયાદ પણ સામે આવી રહી છે. આમ, દિવાળીના ઝગમગાટ વચ્ચે સિંધી સમાજની હટડી પૂજાની પરંપરા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ અમદાવાદની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાગત કારીગરીની ઓળખ પણ બની રહી છે.

આ પણ વાંચો : આજે દિવાળી પર લક્ષ્મી પૂજન માટે મળશે આટલો સમય, જાણો શુભ મુહૂર્ત

Back to top button