અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

CBI કેસમાં આરોપી હોવા છતાં 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ કરી શકાશે, હાઈકોર્ટનો ચુકાદો

Passport Renewal Verdict  :   ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ રિન્યૂઅલને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે CBIના પેન્ડિંગ કેસમાં આરોપી હોવા માત્રથી પાસપોર્ટની માન્યતા ટૂંકી કરી શકાય નહીં. નિયમ મુજબ આરોપીનો પાસપોર્ટ પૂરા 10 વર્ષ માટે રિન્યૂ કરવાની મંજૂરી આપી શકાય છે. આ ચુકાદા સાથે હાઈકોર્ટે નીચલી અદાલતનો ત્રણ વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ કરવાનો આદેશ સુધારીને 10 વર્ષ માટે મંજૂરી આપી છે.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદ (ગ્રામ્ય)ની સ્પેશિયલ CBI કોર્ટમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના કેસનો સામનો કરી રહેલા મોહમ્મદ ઈકબાલ ગનીભાઈ મેઘરેજીએ પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ કરાવવા મંજૂરી માગી હતી. જોકે, સ્પેશિયલ CBI કોર્ટે તેમને માત્ર ત્રણ વર્ષ માટે જ પાસપોર્ટ રિન્યૂ કરવાની પરવાનગી આપી હતી. નીચલી અદાલતના આ નિર્ણય સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ મૂલચંદ ત્યાગીની બેન્ચે આ મામલે સુનાવણી કરતાં પાસપોર્ટની મુદત અંગે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું.

અરજદારની ઉંમર અને વિદેશ પ્રવાસની જરૂરિયાતનો ઉલ્લેખ

અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અરજદાર 67 વર્ષના સિનિયર સિટીઝન છે. વ્યવસાય સંબંધિત કામકાજ માટે તેમને વારંવાર વિદેશ જવાની જરૂર પડે છે. આ ઉપરાંત તેમનાં સંતાનો પણ વિદેશમાં સ્થાયી થયેલાં છે. અરજદાર તરફથી સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને દલીલ કરવામાં આવી હતી કે માત્ર ફોજદારી કેસ પેન્ડિંગ હોવાના આધારે પાસપોર્ટની મુદત ઘટાડવી યોગ્ય નથી.

પાસપોર્ટ ઓફિસની દલીલ પણ હાઈકોર્ટે ફગાવી

સુનાવણી દરમિયાન રિજનલ પાસપોર્ટ ઓફિસર તરફથી દલીલ કરવામાં આવી હતી કે અરજદારે પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ રિન્યૂઅલ માટે અરજી કરી જ નથી. તેથી તેમની હાઈકોર્ટમાં કરેલી અરજી સમય પહેલાંની છે. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે નોંધ્યું હતું કે ફોજદારી કેસ પેન્ડિંગ હોવાથી અરજદારે પહેલાં સક્ષમ કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટ સમક્ષ અરજી કરવી યોગ્ય છે.

10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ, પરંતુ એક શરત લાગુ

હાઈકોર્ટે અરજદારની અરજી મંજૂર કરીને પાસપોર્ટ પૂરા 10 વર્ષ માટે રિન્યૂ કરવાની મંજૂરી આપી છે. જોકે, આ સાથે એક મહત્ત્વપૂર્ણ શરત પણ રાખવામાં આવી છે. અરજદારે ભારતની બહાર પ્રવાસ કરતાં પહેલાં ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે. ટ્રાયલ કોર્ટ પ્રવાસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદા મુજબ યોગ્ય શરતો લાદી શકશે. આમ, ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે ફોજદારી કેસ પેન્ડિંગ હોવા છતાં નિયમ મુજબ પાસપોર્ટની સંપૂર્ણ 10 વર્ષની મુદત માટે રિન્યૂઅલની મંજૂરી મળી શકે છે.

આ પણ વાંચો : અમેરિકાના મિડટર્મ ઇલેક્શનમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દમ! પિયા ડંડિયાની જીત, અન્ય ઉમેદવારોનાં પરિણામો પર નજર

Back to top button