અમદાવાદમાં જીગરદાનના ગરબામાં તોડફોડ, વડોદરામાં કૈરવી બુચનો જાદુ, રાજકોટમાં તલવાર રાસ

gujarat-ahmedabad-garba-chaos: ગુજરાતમાં નવરાત્રિના બીજા નોરતે ઠેરઠેર ગરબાની રમઝટ જોવા મળી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જોકે, અમદાવાદમાં જીગરદાન ગઢવી સાથે સંકળાયેલી સાંચી નવરાત્રિમાં પોલીસની મંજૂરીના મુદ્દે વિવાદ સર્જાયો હતો. કલાકો સુધી પ્રવેશ ન મળતાં રોષે ભરાયેલા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો અને ડોમમાં તોડફોડ કરી હતી. બીજી તરફ, વડોદરામાં કૈરવી બુચના ગીતો પર ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા, જ્યારે રાજકોટમાં ક્ષત્રિય યુવતીઓ અને મહિલાઓના તલવાર રાસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
અમદાવાદમાં સાંચી નવરાત્રિમાં હોબાળો, રિફંડની જાહેરાત
અમદાવાદમાં જીગરદાન ગઢવી સાથે સંકળાયેલી સાંચી નવરાત્રિમાં બીજા નોરતે ગરબા યોજવાની મંજૂરી ન મળતાં વિવાદ થયો હતો. અહેવાલ મુજબ, પ્રથમ દિવસે મંજૂરી વિના ગરબા યોજાયા હતા, જ્યારે બીજા દિવસે ફાયર વિભાગની NOC મળ્યા બાદ પણ પોલીસની મંજૂરી ન મળતાં કાર્યક્રમ શરૂ થઈ શક્યો નહોતો.
મોંઘા પાસ લઈને ગરબા રમવા આવેલા ખેલૈયાઓને પ્રવેશ ન મળતાં તેઓ રોષે ભરાયા હતા. રાત્રે 9 વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રવેશદ્વાર પાસે રાહ જોઈ રહ્યા હતા. રાત્રે 10:30 વાગ્યા સુધી પ્રવેશ શરૂ ન થતાં હોબાળો વધ્યો હતો. આ દરમિયાન કેટલાક ખેલૈયાઓએ સુરક્ષાકર્મીઓને ધક્કા મારી ડોમમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી. પરિસ્થિતિને થાળે પાડવા માટે આયોજકોએ પાસધારકોને રિફંડ આપવાની જાહેરાત કરી હતી.
અમદાવાદમાં અન્ય ગરબા આયોજનોમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ
શહેરના સેક્રેડ રાસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. રાસરાત્રિમાં ગાયક દેવાયત ખવડે પોતાના ગીતો પર ખેલૈયાઓને ઝૂમવા મજબૂર કર્યા હતા. બીજી તરફ, વૈષ્ણોદેવી સર્કલ પાસે ભારે ટ્રાફિકજામ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વડોદરામાં કૈરવી બુચના સૂર પર ખેલૈયાઓ ઝૂમ્યા
વડોદરામાં બીજા નોરતે યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા હતા. ગ્રાઉન્ડ હાઉસફુલ જોવા મળ્યું હતું. ગાયિકા કૈરવી બુચના ગીતોએ ગરબાના માહોલમાં વધુ રંગ ભર્યો હતો. બીજી તરફ, મા શક્તિ ગરબામાં જામનગરથી આવેલા ખેલૈયાઓએ સળગતા અંગારા પર મશાલ રાસ રજૂ કર્યો હતો. આ અનોખી રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સુરતમાં સોસાયટીથી પાર્ટી પ્લોટ સુધી ગરબાની રમઝટ
સુરતમાં બીજા નોરતે સોસાયટીઓ, શેરીઓ અને પાર્ટી પ્લોટમાં ગરબાની ધૂમ જોવા મળી હતી. ઢોલના તાલે યુવતીઓ ઝૂમી ઊઠી હતી, જ્યારે યુવાનોએ બોલિવૂડ સ્ટાઇલમાં ગરબા રમીને માહોલ જમાવ્યો હતો. કતારગામના ઉમિયાધામમાં મહિલાઓએ માથા પર બે-ત્રણ માટલાં મૂકીને પરંપરાગત રીતે ગરબા રમ્યા હતા. આ પ્રથાએ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની સુંદર ઝલક રજૂ કરી હતી. સુરતની ‘શેરી ઓટલો’ નવરાત્રિમાં પણ ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની મજા માણી હતી.
રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓનો તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર
રાજકોટમાં ક્ષત્રિય સમાજની યુવતીઓ અને મહિલાઓએ ખુલ્લી જીપ તથા મોટરસાઇકલ પર તલવાર સાથે રાસ રજૂ કર્યો હતો. તેમની અનોખી રજૂઆત જોવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. બીજી તરફ, અબતક સુરભી રાસોત્સવમાં પણ ખેલૈયાઓએ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી.
ગાયિકા ઋત્વિ પંડ્યાના તાલે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હતો. આમ, બીજા નોરતે ગુજરાતભરમાં ગરબાનો ઉત્સાહ છવાયો હતો, જ્યારે અમદાવાદની સાંચી નવરાત્રિમાં થયેલા હોબાળાએ ઉત્સવની વચ્ચે વિવાદ ઊભો કર્યો હતો.
આ પણ વાંચો : દેશના 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક, તમિલનાડુથી લઈને કેરળ સુધી ફેરબદલ












