
President Droupadi Murmu New Governors: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે દેશના 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ સાંસદોને અલગ-અલગ રાજ્યોમાં રાજ્યપાલ તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ યાદીમાં ઓમ પ્રકાશ માથુર, સુધા યાદવ, બ્રિજ મોહન રામ, દુષ્યંત ગૌતમ, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને ડૉ. ઢાલ સિંહ બિસેનનો સમાવેશ થાય છે. તમામ સંબંધિત રાજ્યપાલો પોતપોતાના પદનો કાર્યભાર સંભાળશે તે તારીખથી આ નિમણૂકો અમલી બનશે.
દક્ષિણના રાજ્યોમાં ફેરબદલ
સિક્કિમના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાનના પૂર્વ રાજ્યસભા સાંસદ ઓમ પ્રકાશ માથુરની કેરળના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે જુલાઈ 2024 માં સિક્કિમના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો. બીજી તરફ, કેરળથી બદલી કરાયેલા અને માર્ચ મહિનાથી તમિલનાડુના કાર્યકારી રાજ્યપાલ તરીકે સેવા આપતા રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હવે તમિલનાડુના પૂર્ણકાલીન નિયમિત રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ગોવા વિધાનસભાના પૂર્વ સ્પીકર રહી ચૂકેલા આર્લેકર અગાઉ હિમાચલ પ્રદેશ અને બિહારના રાજ્યપાલ તરીકે પણ સફળ સેવાઓ આપી ચૂક્યા છે.
ચાર રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ
ઓડિશાના રાજ્યપાલ તરીકે પલામુના પૂર્વ લોકસભા સાંસદ બ્રિજ મોહન રામની નિમણૂક કરાઈ છે. તેઓ હરિ બાબુ કંભમપતિનું સ્થાન લેશે, જેમણે જાન્યુઆરી 2025 માં ઓડિશાના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત, મહેન્દ્રગઢના પૂર્વ ભાજપ સાંસદ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પૂર્વ સભ્ય ડૉ. સુધા યાદવને કર્ણાટકના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સુધા યાદવ વરિષ્ઠ નેતા થાવરચંદ ગેહલોતનું સ્થાન સંભાળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઉત્તરાખંડ અને સિક્કિમમાં પણ નિમણૂક
મધ્યપ્રદેશના બાલાઘાટના પૂર્વ લોકસભા સાંસદ ડૉ. ઢાલ સિંહ બિસેનને ઉત્તરાખંડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહની જગ્યા લેશે. સાથોસાથ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દુષ્યંત ગૌતમને સિક્કિમના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ ઓમ પ્રકાશ માથુરની જગ્યાએ સિક્કિમનો પદભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવનના કોમ્યુનિકેટમાં હરિ બાબુ કંભમપતિ, થાવરચંદ ગેહલોત અને ગુરમીત સિંહ માટે કોઈ નવી રાજકીય જવાબદારીની જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: “મોદી-શાહની જોડી ડરી ગઈ છે”, જયરામ રમેશે જંતર-મંતર હટાવા સામે મોરચો માંડ્યો!












