ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કૂતરાને બચાવવાના ચક્કરમાં ડિવાઈડર સાથે બાઈક અથડાઈ, બે સગા ભાઈ સહિત 3 યુવકોના મોત

બિહારના નાલંદા જિલ્લામાં મંગળવારની મોડી રાત્રે હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેશનલ હાઇવે પર એક જ મોટરસાઇકલ પર સવાર પાંચ મિત્રો અકસ્માતનો ભોગ બન્યા હતા. રસ્તા પર અચાનક કૂતરું આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાઇકલ ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ કિશોરોનાં મોત થયાં છે, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મૃતકોમાં આદર્શ નગરના બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. એક જ પરિવારના બે દીકરાનાં મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

ફટાકડા ફોડ્યા બાદ ફરવા નીકળ્યા હતા પાંચ મિત્રો

મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે પાંચેય મિત્રો ઘરની નજીક ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારબાદ તેઓ એક જ મોટરસાઇકલ પર સવાર થઈ હરનૌતથી ગોનાવાં રોડ તરફ ફરવા નીકળ્યા હતા.

હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે પર પિલર નંબર 51 પાસે બાઇકની સામે અચાનક એક કૂતરું આવી ગયું હતું. તેને બચાવવાના પ્રયાસમાં બાઇકચાલક ગૌતમ કુમારે સંતુલન ગુમાવ્યું હતું. પૂરપાટ ઝડપે જતી મોટરસાઇકલ સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી.

અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર પાંચેય મિત્રો રસ્તા પર દૂર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતમાં ત્રણ મિત્રોનાં મોત

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય યુવકોની ઓળખ નીચે મુજબ થઈ છે:

  • ગૌતમ કુમાર (19 વર્ષ): મૂળ સબનુઆડીહ ગામના રહેવાસી. તેમના પિતાનું નામ સ્વર્ગસ્થ વિલાસ યાદવ હતું.
  • અભિમન્યુ ઉર્ફે મનુ (15 વર્ષ): આદર્શ નગર, હરનૌતના રહેવાસી.
  • અનીશ કુમાર (13 વર્ષ): આદર્શ નગર, હરનૌતના રહેવાસી. અભિમન્યુ અને અનીશ સગા ભાઈઓ હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાના ભાઈનું પણ મોત

અકસાનત બાદ તમામ ઘાયલોને પ્રથમ કલ્યાણ બિઘા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ ગૌતમ કુમાર અને અભિમન્યુને મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ અનીશ, અમિત અને રવિને વધુ સારવાર માટે બિહારશરીફ સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 13 વર્ષીય અનીશે પણ દમ તોડી દીધો હતો.

અકસ্মાતમાં ઘાયલ થયેલા 14 વર્ષીય અમિત કુમાર અને રવિ કુમારની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. બંનેની બિહારશરીફ સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કરિયાણાના વેપારીના પરિવારમાં માતમ

મૃતક અભિમન્યુ અને અનીશના પિતા હરનૌત બજારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. ગૌતમ કુમાર પણ આ જ દુકાનમાં કામ કરતો હતો. એક જ પરિવારના બે પુત્રોના અકાળે મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

હરનૌત પોલીસ સ્ટેશનના અધિકારી મુકેશ કુમાર વર્માએ જણાવ્યું હતું કે ત્રણેય મૃતદેહોનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે બિહારશરીફ સદર હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પરિવારજનો તરફથી અરજી મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: શ્રીનગરમાં ભીષણ આગનો કહેર! 80 ઝૂંપડાં બળીને ખાખ, કાટમાળમાંથી બે લોકોના મૃતદેહ મળ્યા

Back to top button