ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

નાના પાટેકરના નિધન બાદ કાર્ડિયક અરેસ્ટની ચર્ચા, જાણો લક્ષણો અને બચાવના ઉપાય

Cardiac Arrest Symptoms:  બોલિવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. 75 વર્ષની ઉંમરે અભિનેતાનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ, ગોવામાં આવેલા તેમના ફ્લેટમાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થયા બાદ મણિપાલ હોસ્પિટલની મેડીકલ ટીમ તેમના ઘરે પહોંચી હતી.

મેડિકલ ટીમે તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, તબીબોના પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, કાર્ડિયક અરેસ્ટને તેમના મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું છે. મામલો મેડિકો-લીગલ હોવાથી પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. તેમના પુત્ર મલ્હાર પાટેકરે પણ નિધનની પુષ્ટિ કરી છે. નાના પાટેકરના નિધન બાદ કાર્ડિયક અરેસ્ટ (Cardiac Arrest) અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. આ એવી ગંભીર સ્થિતિ છે જેમાં વ્યક્તિને મદદ પહોંચાડવા માટેનો સમય ખૂબ જ ઓછો હોય છે. કેટલીક વખત વ્યક્તિ કોઈ સ્પષ્ટ ચેતવણી વિના અચાનક બેભાન થઈ જાય છે.

કાર્ડિયક અરેસ્ટ શું છે?

સરળ ભાષામાં સમજીએ તો કાર્ડિયક અરેસ્ટ ત્યારે થાય છે જ્યારે હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં અચાનક ગંભીર ગડબડ થાય છે. પરિણામે હૃદય સામાન્ય રીતે ધબકવાનું અને શરીરના વિવિધ ભાગોમાં લોહી પહોંચાડવાનું બંધ કરી શકે છે. આ સ્થિતિમાં મગજ સહિત શરીરના મહત્વપૂર્ણ અંગોને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે. વ્યક્તિ તરત જ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું પણ બંધ કરી શકે છે. તાત્કાલિક સારવાર ન મળે તો સ્થિતિ જીવલેણ બની શકે છે.

હાર્ટ એટેકથી કેટલો અલગ છે કાર્ડિયક અરેસ્ટ?

હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ એક જ સ્થિતિ નથી. હાર્ટ એટેક (Heart Attack) ત્યારે થાય છે જ્યારે હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીમાં અવરોધ ઊભો થાય છે. બીજી તરફ, કાર્ડિયક અરેસ્ટ મુખ્યત્વે હૃદયની ઇલેક્ટ્રિકલ પ્રવૃત્તિમાં અચાનક ગડબડ સાથે સંબંધિત છે. જોકે, ગંભીર હાર્ટ એટેક કેટલીક પરિસ્થિતિમાં કાર્ડિયક અરેસ્ટ તરફ દોરી શકે છે.

કાર્ડિયક અરેસ્ટનું જોખમ ક્યારે વધે છે?

કાર્ડિયક અરેસ્ટ પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. હૃદયની ધબકારા અચાનક અનિયમિત થવી તેની મહત્વપૂર્ણ કારણોમાંથી એક છે. આ સિવાય હૃદયની ધમનીઓની બીમારી, અગાઉ હાર્ટ એટેક આવી ચૂક્યો હોવો, હાર્ટ ફેલિયર, હૃદયના સ્નાયુઓની બીમારી અને કેટલીક જન્મજાત હૃદયની સમસ્યાઓ પણ જોખમ વધારી શકે છે. કેટલાક કિસ્સામાં શરીરમાં ઓક્સિજનની ગંભીર અછત, વધારે રક્તસ્ત્રાવ, ગંભીર ઇન્ફેક્શન, કેટલીક દવાઓની અસર અથવા ઝેરી પદાર્થોના સંપર્કથી પણ કાર્ડિયક અરેસ્ટ થઈ શકે છે.

કયા લક્ષણોને ગંભીરતાથી લેવા?

કાર્ડિયક અરેસ્ટ દરેક વખતે અગાઉથી સ્પષ્ટ સંકેતો આપે એવું જરૂરી નથી. કેટલાક લોકોમાં અચાનક બેભાન થવાની ઘટના બની શકે છે. જોકે, કેટલાક કિસ્સામાં અગાઉથી ચોક્કસ લક્ષણો જોવા મળી શકે છે.

  • છાતીમાં દુખાવો અથવા દબાણ (Chest Pain)
  • શ્વાસ લેવામાં તકલીફ (Breathing Difficulty)
  • ચક્કર આવવા (Dizziness)
  • અચાનક નબળાઈ લાગવી (Weakness)
  • હૃદયના ધબકારા અનિયમિત થવા (Irregular Heartbeat)
  • ઉબકા કે ઉલટી થવી (Nausea/Vomiting)

આ પૈકી કોઈ ગંભીર અથવા અચાનક લક્ષણ દેખાય અને સ્થિતિ ઝડપથી બગડતી હોય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

વ્યક્તિ અચાનક પડી જાય તો શું કરવું?

જો કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય, અવાજ આપવા કે હળવેથી હલાવવા છતાં પ્રતિસાદ ન આપે અને સામાન્ય રીતે શ્વાસ ન લેતી હોય, તો સમય બગાડવો નહીં. સૌથી પહેલાં ઇમરજન્સી મેડિકલ મદદ (Emergency Medical Help) માટે ફોન કરો. જો વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ ન લેતી હોય તો તાલીમ પ્રાપ્ત વ્યક્તિએ તરત CPR (Cardiopulmonary Resuscitation) શરૂ કરવી જોઈએ. નજીકમાં AED (Automated External Defibrillator) ઉપલબ્ધ હોય તો તેને સૂચનાઓ મુજબ શક્ય તેટલી વહેલી તકે ઉપયોગમાં લેવો જોઈએ. CPR રક્તપ્રવાહ જાળવવામાં મદદ કરે છે, જ્યારે AED ચોક્કસ પ્રકારની ખતરનાક હૃદયની લયમાં શોક આપીને હૃદયની લય સામાન્ય કરવામાં મદદ કરી શકે છે.

કાર્ડિયક અરેસ્ટમાં દરેક સેકન્ડ મહત્વની

કાર્ડિયક અરેસ્ટની સ્થિતિમાં હોસ્પિટલ સુધી પહોંચવામાં લાગતો સમય પણ મહત્વપૂર્ણ બની શકે છે. આવી સ્થિતિમાં આસપાસના લોકો દ્વારા સમયસર કરવામાં આવેલી CPR અને ઉપલબ્ધ હોય તો AEDનો ઉપયોગ જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આથી CPRની મૂળભૂત તાલીમ વિશે જાણકારી રાખવી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. સાથે જ, છાતીમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અથવા અસામાન્ય ધબકારા જેવા ગંભીર લક્ષણોને અવગણવા નહીં અને તાત્કાલિક તબીબી મદદ લેવી જોઈએ.

આ પણ વાંચો : કેમ લાઇમલાઇટથી દૂર રહેતો નાના પાટેકરનો પરિવાર? જાણો પત્ની અને પુત્ર વિશે ખાસ વાતો

Back to top button