નેશનલ

તમિલનાડુમાં હિન્દી મુદ્દે ફરી વિવાદ: સરકારી હોસ્પિટલોમાં હિન્દી લખાણ વાળા પ્રિસ્ક્રિપ્શન કવર વહેંચાતા હોબાળો

Tamil Nadu Medicine Cover Hindi Controversy: તમિલનાડુમાં ભાષા વિવાદ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે વિવાદનો મુખ્ય વિષય સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવતા દવાના કવર (પ્રિસ્ક્રિપ્શન કવર) બન્યો છે. કરુર અને કોઈમ્બતુરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવતા દવાના કવર પર ડોઝ અને ઉપયોગ માટેની સૂચનાઓ તમિલ અને અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષામાં છાપવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી, જેના પગલે હોસ્પિટલ સત્તાવાળાઓએ આ કવરનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે.

DMK નેતાના સોશિયલ મીડિયા પોસ્ટે સળગાવ્યો વિવાદનો તણખો

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે DMK નેતા TRB રાજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરુરની સરકારી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા દવાના કવરનો ફોટો શેર કર્યો. તેમણે આ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવતા લખ્યું કે, “એવું લાગે છે કે તમિલનાડુની હોસ્પિટલોમાં પણ ચોરીછૂપીથી ત્રણ ભાષાની નીતિ લાગુ કરવામાં આવી રહી છે! પહેલા કરુરમાં અને હવે કોઈમ્બતુરમાં પણ આ પ્રકારના કવર જોવા મળ્યા છે.” તેમની આ પોસ્ટે રાજકીય ક્ષેત્રે ગરમાવો લાવી દીધો હતો.

હોસ્પિટલ તંત્રની સ્પષ્ટતા

કરુર મેડિકલ કોલેજ હોસ્પિટલના ડીન ડૉ. એમ. ભારતી મોહને સ્પષ્ટતા કરી હતી કે સામાન્ય રીતે હોસ્પિટલ મદુરાઈ જેલ દ્વારા તૈયાર કરાતા સાદા ભૂરા કવરનો ઉપયોગ કરે છે. જોકે, કવરની અછત સર્જાતા ડિસેમ્બર 2025 માં ઇરોડની એક સહકારી પ્રિન્ટિંગ પ્રેસમાંથી નવા કવર મંગાવવામાં આવ્યા હતા. પ્રિન્ટિંગ પ્રેસે સામાન્ય રીતે છાપવામાં આવતી ભાષાઓ મુજબ હિન્દી પણ છાપી દીધું હતું. હોસ્પિટલ સ્ટાફનું ધ્યાન હિન્દી લખાણ પર ગયું નહોતું, પરંતુ વિવાદ સર્જાતા આ કવરો પાછા ખેંચી લેવાયા છે.

કોઈમ્બતુરમાં સ્થળાંતરિત મજૂરો માટે હવે સાદા કવર પર સ્વિચ

કોઈમ્બતુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારના હિન્દી કવરનો ઉપયોગ થઈ રહ્યો હતો, જેને હવે સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યા છે. હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે કોઈમ્બતુરમાં મોટી સંખ્યામાં સ્થળાંતરિત મજૂરો (માઈગ્રન્ટ લેબર્સ) રહે છે, તેથી હિન્દીમાં આપવામાં આવેલી માહિતી તેમના માટે ઉપયોગી સાબિત થઈ રહી હતી. જોકે, હવે તંત્ર દ્વારા સાદા કવર પર હાથથી સ્ટેમ્પ મારીને તમિલ અને અંગ્રેજીમાં સૂચનાઓ લખવામાં આવશે. હોસ્પિટલના કેટલાક ફાર્માસિસ્ટોએ ચિંતા વ્યક્ત કરી છે કે સ્ટાફની અછત વચ્ચે સ્ટેમ્પિંગ કરવાથી અને મજૂરોને સમજાવવામાં વધારાનો સમય લાગશે.

તમિલનાડુમાં બે ભાષા નીતિ વિરુદ્ધ ત્રણ ભાષા નીતિનો જૂનો વિરોધ

તમિલનાડુમાં ભાષાને લઈને આટલો મોટો વિરોધ થવા પાછળનું મુખ્ય કારણ રાજ્યની “બે ભાષા નીતિ” (તમિલ અને અંગ્રેજી) છે. તમિલનાડુ સરકાર કેન્દ્ર સરકારની ત્રિ-ભાષા નીતિનો સતત વિરોધ કરતી આવી છે. પરિણામે, રાજ્યની કોઈપણ સરકારી સંસ્થામાં હિન્દીનો ઉપયોગ એક મોટો રાજકીય મુદ્દો બની જાય છે. આ ઘટનાના થોડા દિવસો પહેલા જ તુતીકોરીન જિલ્લાના સટ્ટનકુલમ નજીક સ્ટેટ હાઇવે 93 પરના એક સાઇનબોર્ડમાંથી હિન્દી હટાવવામાં આવ્યું હતું અને તે ઘટના સંદર્ભે બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિવાદાસ્પદ કવર પર સંપૂર્ણ પ્રતિબંધ

રાજ્યના આરોગ્ય મંત્રી કેજી અરુણરાજે આ મામલે સરકારનો પક્ષ મુકતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે કવરની ડિઝાઇન કે ભાષામાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમણે ઉમેર્યું કે આ કવર ડિસેમ્બર 2025 માં ખરીદવામાં આવ્યા હતા. જેવા જ આ વિવાદિત કવર અંગેના સમાચાર મળ્યા, સરકારે તુરંત બંને હોસ્પિટલોમાં આ કવરનો વપરાશ અટકાવી દીધો છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે સૂચના આપી છે.

આ પણ વાંચો: “We Will Do It”: 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ, મોદી સરકારે આપ્યો નવો નારો

Back to top button