ટ્રેન્ડિંગમનોરંજન

KBCમાં અમિતાભ બચ્ચને નાના પાટેકરને આપી ભાવુક શ્રદ્ધાંજલિ, સાદગી અને સેવાકાર્યને કર્યા યાદ

Nana Patekar Tribute : હિન્દી અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા નાના પાટેકરના નિધનથી ફિલ્મજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. મહાનાયક અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 18’ (Kaun Banega Crorepati 18)ના મંચ પરથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બચ્ચને નાના પાટેકરને માત્ર પ્રતિભાશાળી કલાકાર જ નહીં, પરંતુ સાચા મિત્ર અને સમાજ માટે કંઈક કરવાની ભાવના ધરાવતા વ્યક્તિ તરીકે યાદ કર્યા હતા.

અમિતાભ બચ્ચને કહ્યું કે નાના પાટેકરની અચાનક વિદાયથી તેઓ પોતે પણ આઘાતમાં છે. તેમની સ્પષ્ટવક્તા શૈલી, સાદગી અને સત્ય કહેવાની હિંમત તેમને વિશેષ બનાવતી હતી. બચ્ચનના મતે, વ્યક્તિ દુનિયામાંથી વિદાય લે છે, પરંતુ તેનાં સારાં કાર્યો અને જીવનમાંથી મળેલી શીખ હંમેશાં લોકોના મનમાં જીવંત રહે છે.

ખેડૂતોની મદદ માટેનું કાર્ય આજે પણ યાદગાર

KBCના મંચ પરથી અમિતાભ બચ્ચને નાના પાટેકરની શોમાં થયેલી અગાઉની મુલાકાતને પણ યાદ કરી હતી. એક વિશેષ કાર્યક્રમમાં મહેમાન તરીકે આવેલા નાના પાટેકરે શોમાંથી જીતેલી રકમ સમાજસેવા માટે આપી હતી. મહારાષ્ટ્રનાં ઓછા વરસાદનો સામનો કરતાં ગામોના ખેડૂતોની મદદ માટે તેમણે કરેલું કાર્ય તેમના સંવેદનશીલ વ્યક્તિત્વની ઓળખ બની રહ્યું છે. બચ્ચને જણાવ્યું કે નાના પાટેકરના શબ્દો અને તેમની સેવાભાવનાએ શોની ટીમ પર ઊંડી છાપ છોડી હતી. KBC પરિવાર વતી તેમણે દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ નાના પાટેકર સાથે જોડાયેલી લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે બંને વચ્ચે સંદેશાઓ દ્વારા સંપર્ક રહેતો હતો, પરંતુ આ વખતે તેમનો સંદેશ આવ્યો નહીં. તેમની આ પોસ્ટે બંને વચ્ચેના સંબંધની લાગણીસભર ઝલક રજૂ કરી હતી.

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

મહારાષ્ટ્ર સરકારે મરાઠી રંગભૂમિ અને હિન્દી-મરાઠી ફિલ્મોમાં નાના પાટેકરના યોગદાનને માન આપીને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી હતી. ગુરુવારે પુણેના ખડકવાસલા નજીક ડોંજે સ્થિત તેમના ફાર્મહાઉસમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 75 વર્ષના નાના પાટેકરને ગુરુવારે વહેલી સવારે ગોવામાં તેમના નિવાસસ્થાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારજનો, ફિલ્મ કલાકારો, મિત્રો અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી.

અંતિમ વિદાય આપવા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર, ચંદ્રકાંત પાટીલ, રૂપાલી ચાકણકર અને ભાઈ જગતાપ સહિતના આગેવાનો પહોંચ્યા હતા. અભિનેતા પ્રવીણ તાર્ડે અને ફિલ્મ દિગ્દર્શક મેહુલ કુમાર સહિત ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નાના પાટેકરે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, તેમની ઓળખ માત્ર પડદા પૂરતી મર્યાદિત નહોતી. તેમની સાદગી, સ્પષ્ટ વિચારો અને જરૂરિયાતમંદોની મદદ માટેની પ્રતિબદ્ધતાને કારણે પણ તેઓ લોકોના હૃદયમાં હંમેશાં યાદ રહેશે.

આ પણ વાંચો: સ્ટારલિંકના મુદ્દા પર એલન મસ્કને ભારત સરકારે સીધો જવાબ આપી દીધો, નિયમો બધા માટે એક સરખા

Back to top button