અમદાવાદના નરોડામાં જાહેર રોડ પર ગાડીઓ રોકી બર્થડે ઉજવણી: ભાજપ યુવા મોરચાના નેતા સામે ગુનો દાખલ

Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં 108 ઈમરજન્સી સેન્ટર રોડ પર આવેલ સરદાર પાર્ટી પ્લોટ પાસે ભાજપના યુવા મોરચાના આગેવાન સહિત કેટલાક યુવકો દ્વારા મોડી રાત્રે જાહેર રોડ પર એક જ લાઈનમાં ગાડીઓ ઉભી રાખીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ગાડીઓ તેમજ જાહેર રોડ પર કેક ફેંકીને ગંદકી કરવામાં આવી હતી અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારે આયોજન કરાયું હતું. આ જ સમયે નરોડા પોલીસની PCR વાન સ્થળ પર પહોંચી હતી. આ સમગ્ર મામલે નરોડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ પહોંચતા જ કારચાલકો ફરાર
જ્યારે જાહેર રોડ પર આ ઉજવણી ચાલી રહી હતી ત્યારે જ નરોડા પોલીસ સ્ટેશનની PCR વાન ત્યાં આવી પહોંચી હતી. પોલીસ કર્મચારીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કરતા જ પકડાઈ જવાના ડરે એક પછી એક તમામ કારચાલકો પોતાની ગાડીઓ લઈને ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, થોડીવાર બાદ તેઓ ફરીથી સ્થળ પર પરત ફર્યા હતા.
ભાજપ યુવા મોરચાના આગેવાન રમેશ બાંભાનો કાર પણ હાજર
આ ઉજવણીમાં સરદારનગર વોર્ડના ભાજપ યુવા મોરચાના મહામંત્રી રમેશ બાંભાની ગાડી પણ ત્યાં હાજર હતી. પોલીસની ગાડી જોઈને સૌ પ્રથમ તેઓ જ પોતાની કાર લઈને ત્યાંથી નીકળી ગયા હતા, જોકે બાદમાં તેઓ પરત સ્થળ પર આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. આ બાબતે જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા રમેશ બાંભાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈપણ પ્રતિક્રિયા આપવાનું કે જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચોઃ શુભેન્દુ અધિકારીએ CAA અંગે કરી મોટી જાહેરાત: 31 ડિસેમ્બર સુધીમાં તમામ અરજદારોને મળશે ભારતીય નાગરિકતા
નરોડા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી
નરોડા પોલીસ દ્વારા જાહેર રોડ પર આ પ્રકારે ઉજવણી કરી રાહદારીઓ માટે જોખમ ઊભું કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે એક વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને રમેશ બાંભા (ભરવાડ)ની ગાડી સહિત અન્ય તમામ કારચાલકોના નંબરોનો એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વીડિયોકોન ગ્રુપના ભૂતપૂર્વ પ્રમોટર વેણુગોપાલ ધૂત નાદાર જાહેર: SBI નું ₹12,668 કરોડનું બાકી દેવું












