ટ્રેન્ડિંગનેશનલ

‘નકામા સવાલો ન કરો…’ 10 લોકોના મોત પર કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઉશ્કેરાયા

મધ્ય પ્રદેશઃ 1 જાન્યુઆરી, 2025: મધ્ય પ્રદેશના નગરીય વિકાસ અને આવાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય બુધવારે એક પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવા બદલ વિવાદમાં ફસાયા છે. ઈન્દોરમાં તેમના જ વિધાનસભા વિસ્તારમાં દૂષિત પાણીને કારણે થયેલા મોત અંગે જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો, ત્યારે મંત્રી પોતાનો સંયમ ગુમાવી બેઠા હતા અને વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ?

ઈન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી અનેક લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. એક મીડિયાકર્મીએ જ્યારે આ મામલે સારવારના ખર્ચના રિફંડ અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે સવાલ કર્યો, ત્યારે વિજયવર્ગીયે ઝીણવટભર્યો જવાબ આપવાને બદલે અભદ્ર શ કહ્યું કે, “અરે છોડો યાર, તમે ફોગટના (નકામા) પ્રશ્નો ન પૂછો.”

જ્યારે પત્રકારે સામે જવાબ આપ્યો કે તેઓ પોતે ત્યાં જઈને આવ્યા છે, ત્યારે મંત્રીએ ઉશ્કેરાઈને અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. પત્રકારે પણ મંત્રીને મર્યાદામાં રહીને વાત કરવાની અને વરિષ્ઠ નેતા હોવા છતાં વાત કરવાની મર્યાદા નથી તેવી ટકોર કરી હતી.

વિપક્ષના આકરા પ્રહાર

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ મુખ્યમંત્રી મોહન યાદવ પાસે વિજયવર્ગીયના રાજીનામાની માંગ કરી છે. પટવારીએ કહ્યું કે, “ભાજપના નેતાઓનો અહંકાર સાતમા આસમાને છે. એક તરફ લોકો મરી રહ્યા છે અને બીજી તરફ મંત્રી પત્રકારો સાથે ગેરવર્તન કરી રહ્યા છે.”

મંત્રીએ વ્યક્ત કર્યો ખેદ

વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટતા કરતા લખ્યું કે, “મારી ટીમ છેલ્લા બે દિવસથી જાગીને પરિસ્થિતિ સુધારવા મહેનત કરી રહી છે. મારા વિસ્તારના લોકો પીડામાં છે, આ ઊંડા દુઃખની સ્થિતિમાં મીડિયાના પ્રશ્ન પર મારા મોઢેથી ખોટા શબ્દો નીકળી ગયા. તે બદલ હું ખેદ વ્યક્ત કરું છું.”

ઈન્દોરની સ્થિતિ

વિજયવર્ગીયના ‘ઈન્દોર-1’ વિધાનસભા ક્ષેત્રમાં આવતા ભાગીરથપુરામાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા-ઉલ્ટીના કેસો વધ્યા છે. 1,100 થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને સત્તાવાર રીતે મૃત્યુઆંક પણ નોંધાયો છે. મંત્રીએ ખાતરી આપી છે કે આ ક્ષતિ બદલ જવાબદાર કોઈપણ અધિકારીને છોડવામાં આવશે નહીં.

Back to top button