ગુજરાતટ્રેન્ડિંગ

ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત: મોટી દેવતી ગામ પાસે મળ્યા પંજાના નિશાન, વનવિભાગે પાંજરા ગોઠવ્યા

Leopard terror in Sanand: અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાના એક મહિનાની અંદર જ હવે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી રહી છે. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયો હોવાની અફવાઓ અને માહિતી સામે આવતા વનવિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. વનવિભાગે વિસ્તારમાં મળી આવેલા પંજાના નિશાન (ફૂટપ્રિન્ટ્સ) દીપડાના જ હોવાની પુષ્ટિ કરી છે.

વનવિભાગે મારણ સાથે પાંજરા ગોઠવ્યા

ડીસીએફ (DCF) ના જણાવ્યા અનુસાર, મોટી દેવતી ગામ તરફ દીપડો હોવાની માહિતી મળતા જ વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળી આવેલા પંજાના નિશાન દીપડાના હોવાનું સાબિત થતાં દીપડાને સલામત રીતે પકડવા માટે મારણ સાથે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈ ગ્રામજનોએ દીપડાને પ્રત્યક્ષ જોયો હોવાની વિગતો સામે આવી નથી.

ગ્રામજનોને સાવચેત રહેવા અને અફવા ન ફેલાવવા અપીલ

દીપડાની દહેશતના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા ગ્રામજનોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે:
  • રાત્રિના સમયે એકલા ન નીકળવું: રાત્રિના સમયે કે અંધારામાં ગ્રામજનોને એકલા બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
  • શંકાસ્પદ હિલચાલ પર નજર: જો કોઈ શંકાસ્પદ હિલચાલ કે પ્રાણી દેખાય તો તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.
  • અફવાઓથી દૂર રહેવું: ગામલોકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી દીપડા અંગેની અફવાઓ ન ફેલાવવા વનવિભાગે ખાસ અપીલ કરી છે.

એક મહિના પહેલાં ઘુમા વિસ્તારમાં દેખાયો હતો દીપડો

ઉલ્લેખનીય છે કે, બરાબર એક મહિના પહેલાં 19 જુલાઈના રોજ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ઘુમામાં પણ દીપડાએ દેખા દીધી હતી. ઘુમાની સેરેનદીપ સોસાયટીના એક બંગલાની કંપાઉન્ડ વોલ કૂદતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. હવે સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના પગલાં મળતા વનવિભાગે પેટ્રોલિંગ વધારી દીધું છે.
Back to top button