ટ્રેન્ડિંગધર્મ

કેદારનાથ ધામ: ત્રિકોણાકાર શિવલિંગનું રહસ્ય શું છે? મહાભારત સાથે જોડાયેલી વિશેષ કથા

Kedarnath Dham: ચારધામ યાત્રાની શરૂઆત સાથે આજે 22 એપ્રિલે કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલ્યા છે. હિમાલયની ઊંચાઈઓમાં આવેલું આ પવિત્ર ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. ભારે હિમવર્ષાને કારણે મંદિર વર્ષમાં લગભગ છ મહિના બંધ રહે છે, જેને કારણે તેને ભગવાન શિવજીનો દિવ્ય નિવાસ પણ કહેવામાં આવે છે.

કેદારનાથ ધામની સૌથી અનોખી વાત અહીંનું શિવલિંગ છે, જે સામાન્ય ગોળાકાર નહીં પરંતુ ત્રિકોણાકાર છે. તેની ઊંચાઈ અને પહોળાઈ લગભગ 12-12 ફૂટ માનવામાં આવે છે. આ વિશિષ્ટ આકારને કારણે ભક્તોમાં હંમેશા જિજ્ઞાસા રહે છે કે આ શિવલિંગ આ પ્રકારનું કેમ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કેદારનાથના શિવલિંગનો આકાર મહાભારત સાથે જોડાયેલો છે. મહાભારત યુદ્ધ પછી પાંડવોને પોતાના સગાંઓના વિનાશનો ભારે પસ્તાવો થયો હતો. પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા હિમાલય તરફ ગયા હતા. પરંતુ ભગવાન શિવ તેમની પરિક્ષા લેવા ઈચ્છતા હતા, તેથી તેમણે નંદી (બળદ)નું રૂપ ધારણ કર્યું અને ધરતીમાં સમાઈ ગયા.

જ્યારે પાંડવો ભગવાન શિવને શોધી રહ્યા હતા, ત્યારે ભીમે બળદના રૂપમાં રહેલા શિવજીને ઓળખી લીધા અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બળદનો પીઠનો ભાગ કેદારનાથમાં જ રહી ગયો, જે આજે ત્રિકોણાકાર શિવલિંગ તરીકે પૂજાય છે.

આ સાથે ભગવાન શિવના અન્ય અંગો અલગ-અલગ સ્થળોએ પ્રગટ થયા, જેને પંચકેદાર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં તુંગનાથ (ભુજાઓ), રુદ્રનાથ (મુખ), મધમહેશ્વર (નાભિ) અને કલ્પેશ્વર (જટા)નો સમાવેશ થાય છે. જ્યારે શિવજીનું મસ્તક નેપાળના કાઠમંડુમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે.

આ પૌરાણિક કથા કેદારનાથ ધામની મહત્તા અનેકગણી વધારી દે છે. અહીં ભક્તોને ભગવાન શિવના અનોખા સ્વરૂપના દર્શન થાય છે, જે તેમની લીલા અને પાંડવોની અડગ ભક્તિનું પ્રતિક છે.

આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલાની પ્રથમ વર્ષગાંઠ: ઘાટીમાં હાઈએલર્ટ, ઠેર ઠેર ચૂસ્ત બંદોબસ્ત

Back to top button