ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં સત્તા પરિવર્તન લગભગ નક્કી! સિદ્ધારમૈયા આપી શકે છે રાજીનામું, ડીકે શિવકુમાર બની શકે નવા CM

Karnataka politics: કર્ણાટકની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આગામી થોડા દિવસોમાં રાજીનામું આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સત્તા વહેંચણી (પાવર શેરિંગ) ફોર્મ્યુલા અંગે જાણ કરી દેવામાં આવી છે અને હવે નેતૃત્વ પરિવર્તનનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે.

હાઈકમાન્ડ શિવકુમારના પક્ષમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડના મોટાભાગના નેતાઓ હવે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ચાલેલી બેઠકો બાદ હવે એવી સહમતિ બનતી દેખાઈ રહી છે કે કર્ણાટકમાં ટૂંક સમયમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે.

સિદ્ધારમૈયાને રાજ્યસભાની ઓફર

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયાને રાજ્યસભામાં મોકલવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેથી તેમને સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા સોંપી શકાય. જોકે, અત્યાર સુધી તેમણે આ ઓફર અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી અને તેઓ હજુ અસંમજસની સ્થિતિમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

ટ્રાન્ઝિશન પ્લાન તૈયાર

પાર્ટીની અંદર એવી ચર્ચા ચાલી રહી છે કે કર્ણાટકમાં સત્તાનું સંતુલન જાળવી રાખવા માટે આ ટ્રાન્ઝિશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સરકારમાં ફેરફારો પણ થઈ શકે છે. સાથે સાથે સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ પણ આ પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં પ્રિયંકા ગાંધી પણ સક્રિય રીતે જોડાયેલા છે અને તેઓ નેતૃત્વ પરિવર્તન માટે દબાણ બનાવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમની સક્રિય ભૂમિકાને કારણે હવે આ નિર્ણય કોંગ્રેસના ટોચના નેતૃત્વ સ્તરે લેવામાં આવી રહ્યો હોવાના સંકેતો વધુ મજબૂત બન્યા છે.

હવે આગળ શું થશે?

જો સિદ્ધારમૈયા રાજીનામું આપે છે, તો ડીકે શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાનો રસ્તો લગભગ સાફ થઈ જશે. ત્યારબાદ કોંગ્રેસ કર્ણાટકમાં નવા નેતૃત્વના ચહેરા સાથે આગળ વધતી જોવા મળી શકે છે. હાલમાં સૌની નજર હવે આ વાત પર ટકેલી છે કે સિદ્ધારમૈયા ક્યારે અને શું નિર્ણય લે છે.

આ પણ વાંચો: India : ભારતની AI ડિફેન્સ ટેક્નોલોજીથી દુશ્મનોમાં ચિંતા, જુઓ વીડિયો

Back to top button