પરીણિતા પ્રેમી સાથે ભાગ્યા બાદ ઝેર ખાઇને કર્યો આપઘાત, મૃત્યુ પહેલાં ઓક્સિજન સપોર્ટ પર કહ્યું- ‘પ્રેમી નિર્દોષ છે… ’

ઉત્તર પ્રદેશઃ 16 ડિસેમ્બર, 2025: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિને છોડીને પ્રેમી સાથે રહેતી એક પરણિત યુવતીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, મૃત્યુ પહેલા હોસ્પિટલમાંથી તેનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે પોતાના પ્રેમીને નિર્દોષ ગણાવી રહી છે. જોકે, યુવતીના પિતાએ પ્રેમી અને તેના પરિવાર સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર પાંગર્યો હતો પ્રેમ
કાનપુરના મઝવનની રહેવાસી માનસીના 3 વર્ષ પહેલા ફતેહપુરમાં લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ માનસીની મુલાકાત ઇન્સ્ટાગ્રામ દ્વારા મનીષ નામના યુવક સાથે થઈ હતી. ઇન્સ્ટાગ્રામની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. આશરે 6 મહિના પહેલા માનસી તેના પતિનું ઘર છોડીને મનીષ સાથે ભાગી ગઈ હતી અને કાનપુરના બિધનૂ વિસ્તારમાં રહેવા લાગી હતી.
‘મરતા દમ સુધી પ્રેમીનો સાથ’ – અંતિમ વીડિયો
9 તારીખે માનસીએ અકળ કારણોસર ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રવિવારે જ્યારે તેની હાલત નાજુક હતી, ત્યારે તેણે એક વીડિયો રેકોર્ડ કરાવ્યો હતો. ઓક્સિજન નળી સાથે માનસીએ વીડિયોમાં કહ્યું, “હું 6 મહિનાથી આની (મનીષ) સાથે જ રહેતી હતી. જો બચી ગઈ તો મારા પ્રેમ સાથે જ રહીશ, પણ જો મરી જાઉં તો તેને કંઈ ન કરતા, તે અને તેનો પરિવાર નિર્દોષ છે”.
પિતાનો ગંભીર આક્ષેપ: ‘દીકરીની હત્યા થઈ છે’
માનસીના મૃત્યુ બાદ તેના પિતા ધર્મવીરે પ્રેમી મનીષ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પિતાનો આરોપ છે કે, મનીષ માનસીને કોઈની સાથે વાત કરવા દેતો ન હતો અને તેને સતત પરેશાન કરતો હતો. પિતાની ફરિયાદના આધારે બિધનૂ પોલીસે મનીષ અને તેના પરિવાર વિરુદ્ધ રિપોર્ટ નોંધી તપાસ હાથ ધરી છે. એસીપી કૃષ્ણકાંત યાદવે જણાવ્યું કે, વાઈરલ વીડિયોને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે.












