ટ્રેન્ડિંગનેશનલમીડિયા

બિહારમાં સામૂહિક દુષ્કર્મ પીડિતાને ફરી નિશાન બનાવી, આરોપીઓએ અગાસી પરથી ફેંકી

Rape Survivor Attack  :  બિહારમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વધારતી બે ઘટનાઓ સામે આવી છે. બેગુસરાય જિલ્લાના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ચાર મહિના પહેલાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાને ફરી નિશાન બનાવવામાં આવી છે. સોમવારે મધરાતે બે શખસોએ મહિલાને બળજબરીથી અગાસી પર લઈ જઈ નીચે ફેંકી દીધી હતી. આ ઘટનામાં મહિલાને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં તેની સારવાર બેગુસરાય સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

ફોન કરીને બોલાવી, અગાસી પરથી ફેંકી

પીડિતાના જણાવ્યા અનુસાર, ગામના જ બે શખસોએ તેને મોબાઇલ પર ફોન કરીને બોલાવી હતી. દરવાજો ખોલતાં જ આરોપીઓએ તેનો મોબાઇલ છીનવી લીધો હતો. ત્યારબાદ તેને બળજબરીથી અગાસી પર લઈ જઈ વાળ પકડીને માર માર્યો હતો અને નીચે ફેંકી દીધી હતી. મહિલા નીચે રાખેલા મોટા ટ્રંક પર પડતાં તેના કમરના ભાગે ઈજા થઈ હતી. પીડિતાએ આશંકા વ્યક્ત કરી છે કે ચાર મહિના પહેલાં થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ આરોપીઓએ જ આ હુમલો કરાવ્યો હોઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ

ચકિયા પોલીસ સ્ટેશનના પ્રભારી ગૌતમ કુમારે જણાવ્યું કે ઘટનામાં સંડોવાયેલા ઘોંઘલ નિષાદની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલાં મહિલાને બંધક બનાવી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે દરમિયાન આરોપીઓએ તેના શરીરના ગુપ્ત ભાગમાં કારતૂસ અને લાકડાના ટુકડા નાખ્યા હોવાનો આરોપ છે. આ કેસમાં રામુ મહતો અને નીતિશ મહતોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે અન્ય આરોપી સૂરજ મહતો હજુ ફરાર છે. પોલીસે તેના ઘરનું જપ્તીકરણ કરવાની કાર્યવાહી કરી છે અને તેના પર ઈનામ પણ જાહેર કર્યું છે.

રોહતાસમાં સગીરાને ઘરે પહોંચાડવાના બહાને સામૂહિક દુષ્કર્મ

બીજી તરફ, બિહારના રોહતાસ જિલ્લાના ડેહરી વિસ્તારમાં પણ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સગીરા પોતાની ફોઈના ઘરે ગઈ હતી. આ દરમિયાન તે બહાર ફરવા નીકળતાં રસ્તો ભૂલી ગઈ હતી.ત્યાં હાજર મહિલાઓએ એક ઓટો ચાલકને ભાડું આપીને સગીરાને તેની ફોઈના ઘરે પહોંચાડવા કહ્યું હતું. જોકે, ઓટો ચાલક તેને ઘરે લઈ જવાને બદલે પોતાના બે સાથીઓ સાથે બારુણ લઈ ગયો હતો. ત્યાં ત્રણેયે મળીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.મંગળવારે સવારે ઓટો ચાલક સગીરાને છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન પરિવારજનોએ તેને પકડી લીધો હતો. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : વેરાવળના ખંઢેરી ગામમાં મધરાતે સિંહ પરિવારની લટાર, પશુઓમાં નાસભાગ

Back to top button