ટ્રેન્ડિંગધર્મ

તુલસી વિવાહ 2026: નવેમ્બરમાં આ દિવસે થશે તુલસી-શાલિગ્રામના લગ્ન, જાણો શુભ મુહૂર્ત

Tulsi Vivah : દિવાળીના તહેવારો બાદ હવે તુલસી વિવાહની તૈયારીઓ શરૂ થશે. દર વર્ષે કારતક સુદ દ્વાદશીના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ કરાવવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર, તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાન જેટલું પુણ્ય મળે છે. આ ઉપરાંત ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દાંપત્ય જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. ખાસ કરીને જેમનાં લગ્નમાં વિઘ્નો આવી રહ્યાં હોય અથવા લગ્નજીવનમાં મુશ્કેલીઓ હોય તેમના માટે તુલસી વિવાહનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ વર્ષ 2026માં તુલસી વિવાહ ક્યારે છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે.

2026માં ક્યારે છે તુલસી વિવાહ?

પંચાંગ અનુસાર, વર્ષ 2026માં 21 નવેમ્બર, શનિવારના રોજ કારતક સુદ દ્વાદશીના દિવસે તુલસી વિવાહનું મુખ્ય આયોજન કરવામાં આવશે. આ દિવસે મોટાભાગના પરિવારોમાં માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહની વિધિ કરવામાં આવશે. જોકે, કેટલીક જગ્યાએ તુલસી વિવાહનો ઉત્સવ પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત દેવઉઠી એકાદશીથી થાય છે અને કારતક પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. આ દરમિયાન લોકો પોતાની પરંપરા અને માન્યતા અનુસાર શુભ દિવસે તુલસી વિવાહનું આયોજન કરે છે.

તુલસી વિવાહ 2026નું શુભ મુહૂર્ત

21 નવેમ્બર 2026ના રોજ તુલસી વિવાહ માટે સાંજનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ દિવસે પૂજાના વિવિધ મુહૂર્ત નીચે મુજબ છે.

  • તુલસી વિવાહ મુહૂર્ત: સાંજે 5:25થી 7:49 વાગ્યા સુધી

  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:40થી 5:30 વાગ્યા સુધી

  • અભિજિત મુહૂર્ત: બપોરે 11:42થી 12:28 વાગ્યા સુધી

  • ગોધૂલી મુહૂર્ત: સાંજે 5:25થી 6:13 વાગ્યા સુધી

કેવી રીતે કરવો તુલસી વિવાહ?

તુલસી વિવાહની પૂજા ઘરે પણ પરંપરાગત વિધિથી કરી શકાય છે. આ માટે સૌપ્રથમ તુલસીના કુંડાને સાફ કરીને ઘરની છત, આંગણામાં અથવા પૂજાસ્થળે એક ચોકી પર સ્થાપિત કરો. ત્યારબાદ શેરડીની મદદથી તુલસીના કુંડાની આસપાસ સુંદર મંડપ તૈયાર કરો અને તેના પર હળદરનો લેપ લગાવો. તુલસી માતાની બાજુમાં ભગવાન શાલિગ્રામની સ્થાપના કરો. જો ઘરમાં શાલિગ્રામ ન હોય તો ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ સ્થાપિત કરી શકાય છે.પૂજા દરમિયાન તુલસી માતાને ચુંદડી અને સુહાગની સામગ્રી અર્પણ કરો. ત્યારબાદ તુલસી માતા અને ભગવાન શાલિગ્રામને ફૂલહાર પહેરાવી ભગવાન શાલિગ્રામને હળદર-ચંદનનો લેપ લગાવો.પરંપરા અનુસાર, પરિવારનો કોઈ પુરુષ સભ્ય ભગવાન શાલિગ્રામને હાથમાં લઈને તુલસી માતાની સાત વખત પરિક્રમા કરે છે. અંતે ધૂપ, દીપ અને કપૂરથી આરતી ઉતારીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તુલસી વિવાહનું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ ધાર્મિક મહત્વ છે. એવી માન્યતા છે કે તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના વિવાહ કરાવવાથી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. એવું પણ માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરાવવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ વધે છે. જેમનાં લગ્નમાં વારંવાર અડચણો આવી રહી હોય તેઓ પણ શ્રદ્ધા સાથે આ પૂજાનું આયોજન કરે છે.

નોંધ: આ લેખમાં દર્શાવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. મુહૂર્ત માટે સ્થાનિક પંચાંગનો પણ સંદર્ભ લેવો.

આ પણ વાંચો : ગુવાહાટી પાસે ટ્રેન અકસ્માત, કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Back to top button