ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જુનાગઢમાં ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન, કોંગ્રેસે કલેક્ટરને સોંપ્યું આવેદનપત્ર

Junagadh diesel shortage: ચોમાસાની વાવણીની તૈયારી વચ્ચે જુનાગઢ જિલ્લામાં સર્જાયેલી ડીઝલની ગંભીર અછતને કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, નાના વેપારીઓ તેમજ રિક્ષા ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડીઝલના અભાવે ખેતીના કામો અને પરિવહન વ્યવસ્થા પર સીધી અસર પડી રહી છે.

કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

આ મુદ્દે વિરોધ નોંધાવતા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે જિલ્લા કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર સોંપ્યું છે. ડીઝલની અછતથી ખેડૂતોની વધતી ચિંતાને દર્શાવવા માટે અનેક ખેડૂતો બળદગાડીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. કોંગ્રેસે આવેદનપત્રમાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતો સહિત તમામ અસરગ્રસ્ત વર્ગોને રાહત મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વાવણીની સિઝનમાં ખેડૂતોને ટ્રેક્ટરથી જમીન તૈયાર કરવા (સાતી ચલાવવા) માટે ડીઝલની જરૂરિયાત છે, પરંતુ પૂરતું ડીઝલ ન મળવાથી કામ અટકી ગયું છે. ખેડુતોએ બે-બે દિવસ સુધી પેટ્રોલ પંપ પર લાઇનોમાં ઊભા રહેવું પડે છે. કોંગ્રેસે માગણી કરી છે કે દરેક વિઘે 10 લિટર ડીઝલની ફાળવણી કરવામાં આવે, જેથી ખેડૂતોની 80% જરૂરિયાત પૂરી થઈ શકે.

બેંક હપ્તામાંથી મુક્તિની માંગ

વધુમાં, ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનો (માલવાહક તેમજ પેસેન્જર) લોન પર લેવામાં આવ્યા છે. ડીઝલ ન મળવાથી વાહનો ચલાવી શકાતા નથી, જેના કારણે આવક બંધ થઈ ગઈ છે અને હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે. કોંગ્રેસે 6 મહિના સુધી ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનોના બેંક હપ્તામાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે, જેથી વાહન જપ્તી જેવી નોબત ન આવે.

તંગી માટે ભાજપ સરકાર જવાબદાર

કોંગ્રેસે આ ડીઝલ તંગી માટે કેન્દ્રની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે સમયસર આયોજન અને પૂરતા પુરવઠાના અભાવે ખેડૂતો સહિત વિવિધ વર્ગોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આવેદનપત્ર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા તેમજ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ડીઝલની અછતની ફરિયાદો વધી છે. જુનાગઢ, અમરેલી, મોરબી સહિત અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો અને વિરોધ પ્રદર્શનો થયા છે. આ પહેલાં આમ આદમી પાર્ટીના MLA ગોપાલ ઇટાલિયાએ પણ જુનાગઢમાં ઊંટ અને બળદગાડીઓ સાથે કલેક્ટર કચેરી પાસે વિરોધ કર્યો હતો.

વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવને કારણે ઇંધણના ભાવોમાં વધારો અને સપ્લાય ચેઇન અંગે ચિંતાઓ વધી છે. જો કે, કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓ (IOCL, BPCL)એ દેશમાં ડીઝલ અથવા પેટ્રોલની કોઈ વાસ્તવિક અછત ન હોવાનું કહ્યુ છે. તેમના જણાવ્યા મુજબ, ગભરાટભરી ખરીદી (panic buying) અને ચોમાસા પૂર્વે ખેતી તેમજ પરિવહન ક્ષેત્રમાં વધતી મોસમી માંગને કારણે કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. કંપનીઓએ પૂરતો ઇંધણ જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવતાં લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસની અનોખી પહેલ: “જનસંપર્ક કેન્દ્ર” બન્યું ન્યાયનું નવું સરનામું

Back to top button