અમેરિકન સૈનિકો પર ઈરાનની મોટી જાહેરાત, હત્યા કે ધરપકડ પર $30,000 ના ઈનામની ઘોષણા

Iran Offers Bounty for US Soldiers: પશ્ચિમ એશિયામાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાનની સેનાએ એક વિવાદાસ્પદ અને આક્રમક જાહેરાત કરી છે. ઈરાની સેનાએ અમેરિકન સૈનિકોની હત્યા કરવા અથવા તેમની ધરપકડ કરવા બદલ $30,000 સુધીનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. સેનાએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મહિલા દ્વારા આ કૃત્ય આચરવામાં આવશે તો ઈનામની રકમ બમણી કરવામાં આવશે. 28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું ત્યારથી હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું મુકવાનો મુદ્દો શાંતિ વાટાઘાટોમાં મુખ્ય અવરોધ બની રહ્યો છે.
સેના પ્રમુખ અમીર હતામીનું નિવેદન
ઈરાનના સેના પ્રમુખ અમીર હતામીના જણાવ્યા મુજબ, નાણાકીય સહાય પૂરી પાડવા અને યુદ્ધમાં ભાગ લેવા માટે દેશભરમાંથી “મોટી સંખ્યામાં વિનંતીઓ” મળ્યા બાદ આ યોજના તૈયાર કરવામાં આવી છે. જોકે, હતામીએ યુએસ સૈનિકો પર ક્યાં અને ક્યારે હુમલો કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ વિગતો આપી નહોતી. મધ્ય પૂર્વના આ સંઘર્ષ દરમિયાન એપ્રિલ મહિનામાં માર્યા ગયેલા એક અમેરિકન પાઇલટ માટેના બચાવ મિશન સિવાય ઈરાની ભૂમિ પર કોઈ યુએસ ભૂમિ દળો તૈનાત કરવામાં આવ્યા નથી.
હિંમતવાન ઈરાની મહિલાઓ માટે વિશેષ ઘોષણા
ઈરાની સરકારી ન્યૂઝ એજન્સી IRNA એ હતામીને ટાંકીને જણાવ્યું હતું કે, “જે કોઈ પણ હુમલાખોરોને મારી નાખશે અથવા પકડીને સૈન્યને સોંપશે તેને ઈરાની સેના તરફથી $30,000 નું ઈનામ મળશે.” આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, “આવા સાહસિક કૃત્યો કરનારી હિંમતવાન ઈરાની મહિલાઓને સેના દ્વારા બમણું ઈનામ આપવામાં આવશે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ઇઝરાયેલની નેતન્યાહૂ સરકાર સાથે મળીને તેહરાન પર ભીષણ હુમલા કર્યા હતા. યુદ્ધના પ્રથમ દિવસે જ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની માર્યા ગયા હતા, જેના જવાબમાં ઈરાને ઇઝરાયેલ અને આરબ દેશોમાં આવેલા યુએસ લશ્કરી મથકો પર મિસાઈલો દાગી હતી. આ ઉપરાંત ઈરાને વિશ્વના 20% તેલ અને ગેસના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બ્લોક કરી દીધું હતું, જેનાથી વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું.
યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ
અપ્રિલ મહિનામાં પાકિસ્તાનની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયો હતો અને જૂન મહિનામાં શાંતિ વાટાઘાટોનું માળખું તૈયાર કરાયું હતું, પરંતુ બાદમાં આ વાટાઘાટો તૂટી પડી હતી. ત્યારથી દક્ષિણ ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ સતત હુમલાઓ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે યમનના હુથી બળવાખોરોએ પણ લાલ સમુદ્રમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરતાં પશ્ચિમ એશિયાનો સંઘર્ષ વધુ વિકટ બન્યો છે.
આ પણ વાંચો: યુક્રેનનો રશિયા પર મોટો હવાઈ પ્રહાર, મિસાઈલ ફેક્ટરીમાં ભીષણ આગ












