ઈરાન યુદ્ધ વચ્ચે પેન્ટાગોનમાં મોટું નેતૃત્વ સંકટ: 25 થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાકલપટ્ટી

Pentagon Leadership Crisis Deepens: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (Pentagon) માં નેતૃત્વ સંકટ અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયું છે. ઈરાન સાથેના યુદ્ધના છ મહિના પછી સંરક્ષણ મંત્રી (ડિફેન્સ સેક્રેટરી) પીટ હેગસેથના કાર્યકાળ દરમિયાન 25 થી વધુ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 45 જેટલા અધિકારીઓના પ્રમોશન અટકાવી દેવાયા છે. ઈરાન યુદ્ધના કારણે યુએસ સેના પર પહેલેથી જ મોટું દબાણ છે, ત્યારે પેન્ટાગોનનું આ આંતરિક સંકટ યુએસ લશ્કરી ક્ષમતા સામે સવાલો ઊભા કરી રહ્યું છે.
આર્મી સેક્રેટરી ડેન ડ્રિસ્કોલનું રાજીનામું
પેન્ટાગોનને સૌથી મોટો ઝાટકો સોમવારે લાગ્યો જ્યારે આર્મી સેક્રેટરી ડેન ડ્રિસ્કોલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના નજીકના મિત્ર અને યેલ લો સ્કૂલના સહાધ્યાયી ડ્રિસ્કોલને એક સમયે હેગસેથના સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. જોકે, લશ્કરી નેતૃત્વ અને આધુનિકીકરણ મુદ્દે હેગસેથ સાથે તેમના લાંબા સમયથી ગંભીર મતભેદો ચાલી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને યુક્રેન સંબંધિત મહત્વની રાજદ્વારી જવાબદારી પણ સોંપી હતી. અગાઉ હેગસેથે આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને પણ પદભ્રષ્ટ કર્યા હતા. હવે ઈરાન યુદ્ધ વચ્ચે આર્મી પાસે સેનેટ દ્વારા મંજૂર કરાયેલ કાયમી નાગરિક કે લશ્કરી નેતૃત્વ જ બચ્યું નથી.
જોઈન્ટ ચીફ્સ ટીમ વિખેરાઈ
હેગસેથના વિવાદિત કાર્યકાળ દરમિયાન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન, નેવીના ટોચના એડમિરલ અને આર્મી ચીફ ઓફ સ્ટાફ સહિત લગભગ તમામ લશ્કરી સેવાઓના વડાઓને કાં તો હટાવી દેવાયા છે અથવા તેમણે રાજીનામા આપ્યા છે. હાલમાં માત્ર મરીન કોર્પ્સ અને સ્પેસ ફોર્સના વડાઓ જ પોતાના હોદ્દા પર ટકી રહ્યા છે. આ ઉપરાંત સામાન્ય રીતે રાજકારણથી પર રખાતી પ્રમોશન પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને હેગસેથે આ વર્ષે 45 અધિકારીઓના પ્રમોશન રોકી દીધા છે, જેમાં એક ડઝનથી વધુ મહિલા, અશ્વેત અને હિસ્પેનિક અધિકારીઓનો સમાવેશ થાય છે.
શસ્ત્રોનો ભંડાર ખાલી થવાના આરે: કમાન્ડરોનો વિરોધ
પેન્ટાગોનની આ આંતરિક અવ્યવસ્થા એવા સમયે બહાર આવી છે જ્યારે ઈરાન યુદ્ધથી શસ્ત્રોનો પુરવઠો ઘટી રહ્યો છે. નૌકાદળના માત્ર 25% વિનાશક જહાજો જ તૈનાતી માટે સક્ષમ છે, જ્યારે પેસિફિક ક્ષેત્રમાં તૈનાત અમેરિકાના એકમાત્ર વિમાનવાહક જહાજને પણ મધ્ય પૂર્વમાં ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના 65% પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર્સ તૈનાત થઈ ચૂક્યા છે, જેથી નાટો સહયોગીઓને મદદ કરવા અને ચીન સામે સજ્જ રહેવાની ક્ષમતા નબળી પડી રહી હોવાની ચિંતા કમાન્ડરો વ્યક્ત કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રમ્પનો હેગસેથ પર ભરોસો યથાવત
બીજી તરફ પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે મંત્રાલયમાં અસંતોષ કે અરાજકતાના અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે જનરલો વચ્ચેના મતભેદો સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે અને અમેરિકા પાસે શસ્ત્રોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નોંધનીય છે કે 5 મે પછી પેન્ટાગોન દ્વારા કોઈ ઔપચારિક પ્રેસ બ્રીફિંગ યોજાઈ નથી. તમામ ટીકાઓ છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે હેગસેથને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે અને કોંગ્રેસ પાસે રેકોર્ડ $1.5 ટ્રિલિયનના સંરક્ષણ બજેટની માગ કરી છે.
આ પણ વાંચો: હેગસેથ સહિત 15 CR અમેરિકીઓના ડેટા લીક, ડાર્ક વેબ પર વેચી રહ્યા છે હેકર્સ












