ટ્રેન્ડિંગબિઝનેસ

દિવાળીએ અંબાણી-અદાણીની સંપત્તિ વધી, મસ્કની એક દિવસમાં ₹5.69 લાખ કરોડની કમાણી

Diwali Billionaires Wealth  : દિવાળીના તહેવાર દરમિયાન સામાન્ય લોકો સોના-ચાંદીની ખરીદી અને રોકાણમાં વ્યસ્ત હતા, ત્યારે વિશ્વના અગ્રણી અબજોપતિઓની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) માટે ધનતેરસનો દિવસ અત્યંત ફળદાયી રહ્યો. તેમની સંપત્તિમાં એક જ દિવસમાં 60.50 અબજ ડોલર એટલે કે અંદાજે ₹5.69 લાખ કરોડનો વધારો થયો હતો. બીજી તરફ, દિવાળીના દિવસે ભારતીય ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani)ની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો.

અદાણીની સંપત્તિમાં ₹18 હજાર કરોડથી વધુનો વધારો

દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ (Muhurat Trading) દરમિયાન ભારતીય શેરબજારના સેન્સેક્સ અને નિફ્ટી (Sensex-Nifty) લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે, અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી જોવા મળતાં ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો હતો.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર, અદાણીની સંપત્તિમાં 1.95 અબજ ડોલરનો વધારો થયો હતો. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ ₹18 હજાર કરોડથી વધુ થાય છે. આ વધારા સાથે તેમની કુલ સંપત્તિ 119 અબજ ડોલર પર પહોંચી હતી. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ 18મા ક્રમે છે.

અંબાણીની સંપત્તિમાં પણ ₹9 હજાર કરોડનો વધારો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ દિવાળીના દિવસે વધારો નોંધાયો હતો. તેમની નેટવર્થમાં 956 મિલિયન ડોલર એટલે કે અંદાજે ₹9 હજાર કરોડનો વધારો થયો હતો. આ સાથે તેમની કુલ સંપત્તિ 88.3 અબજ ડોલર થઈ હતી. તેઓ એશિયાના અબજોપતિઓમાં ત્રીજા અને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 23મા ક્રમે છે.

ધનતેરસે એલન મસ્ક પર થઈ અબજોની વર્ષા

ભારતમાં ધનતેરસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે અમેરિકાના બજારમાં એલન મસ્કની કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. તેના કારણે મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 7.7 ટકા વધી ગઈ હતી. તેમની નેટવર્થમાં 60.50 અબજ ડોલરનો વધારો થયો હતો, જે ભારતીય ચલણમાં અંદાજે ₹5.69 લાખ કરોડ થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

5 ઓક્ટોબર પછી એક જ દિવસમાં સંપત્તિમાં થયેલો આ સૌથી મોટો વધારો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં મસ્કની સંપત્તિમાં 83.3 ટકાનો વધારો નોંધાયો છે. તેમની કુલ સંપત્તિ 845 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ ગતિ જળવાઈ રહે તો તેઓ ફરી એકવાર ટ્રિલિયોનેર (Trillionaire) બનવાની નજીક પહોંચી શકે છે.

વિશ્વના ટોચના 10 અબજોપતિઓની સંપત્તિ

બ્લૂમબર્ગના અબજોપતિઓના ઇન્ડેક્સમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ (Jeff Bezos) 369 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ (Larry Page) 248 અબજ ડોલર સાથે ત્રીજા અને સર્ગેઈ બ્રિન (Sergey Brin) 231 અબજ ડોલર સાથે ચોથા સ્થાને છે.

માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) 217 અબજ ડોલર સાથે પાંચમા ક્રમે છે. ત્યારબાદ માઈકલ ડેલ (Michael Dell) 192 અબજ ડોલર સાથે છઠ્ઠા, સ્ટીવ બાલ્મર (Steve Ballmer) 186 અબજ ડોલર સાથે સાતમા અને વોરેન બફેટ (Warren Buffett) 162 અબજ ડોલર સાથે આઠમા સ્થાને છે. લેરી એલિસન (Larry Ellison) 158 અબજ ડોલરની સંપત્તિ સાથે નવમા ક્રમે છે, જ્યારે જેન્સન હુઆંગ (Jensen Huang) 155 અબજ ડોલર સાથે ટોપ-10માં દસમા સ્થાને પહોંચી ગયા છે. તેમણે આ યાદીમાં જિમ વોલ્ટનને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો : દિવાળીના જશ્ન વચ્ચે આગનું તાંડવ, દિલ્હીથી મુંબઈ સુધી અનેક સ્થળોએ અગ્નિકાંડ

Back to top button