ટ્રેન્ડિંગવર્લ્ડ

BRICS મંચ પરથી ઈરાનનો અમેરિકાને સંદેશ, અહંકાર સામે નહીં ઝૂકે તેહરાન

BRICS Iran Message  :  BRICS સમિટ (BRICS Summit)માં ભાગ લેવા નવી દિલ્હી પહોંચેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયલ સામે પોતાના દેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે તેમણે કહ્યું કે ઈરાન કોઈપણ દાદાગીરી કે દબાણ સામે ઝૂકશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે મજબૂતીથી ઊભું રહેશે.

નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા પેઝેશ્કિયાને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ (Peaceful Coexistence) માટે ઈરાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધાર્મિક નેતાઓ, બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગજગતના લોકોની હાજરીમાં તેમણે વિદેશી શક્તિઓ પર પણ નિશાન સાધ્યું હતું.

‘દબાણ સામે આત્મસમર્પણ નહીં કરીએ’

પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન અત્યાચાર સામે આત્મસમર્પણ નહીં કરે. તેમના જણાવ્યા મુજબ, ઈઝરાયલ અને અમેરિકા સામે ઈરાન મજબૂતીથી ઊભું છે અને કોઈપણ પ્રકારની ધમકી કે દબાણ સ્વીકારશે નહીં.

તેમણે દાવો કર્યો કે જો ઈરાન પર દબાણ કરવામાં આવશે તો તેનો જવાબ પણ આપવામાં આવશે. પેઝેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીની ટીકા કરતા બંને દેશોની સેનાઓને ‘વાસ્તવિક આતંકવાદી’ ગણાવી હતી.

ઈરાની રાષ્ટ્રપતિએ ઈરાનમાં થયેલા અગાઉના હુમલાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે હોસ્પિટલો, માળખાકીય સુવિધાઓ (Infrastructure) અને સામાન્ય લોકોની આજીવિકાને નિશાન બનાવવાને બદલે સૈનિકોનો સામનો કરવો જોઈએ.

‘અમેરિકા લગામ વગરના જંગલી ઘોડા જેવું’

પેઝેશ્કિયાને અમેરિકાની નીતિની તુલના લગામ વગરના જંગલી ઘોડા સાથે કરી હતી. તેમણે કહ્યું કે દબાણ અને યુદ્ધ દ્વારા ઈરાનના લોકો આત્મસમર્પણ કરશે તેવી અપેક્ષા રાખવી ખોટી છે.

તેમણે વધુમાં કહ્યું કે ઈરાનના લોકો કોઈપણ પરિસ્થિતિમાં ઝૂકશે નહીં અને પીડિતોના સમર્થનમાં ઊભા રહેશે. સાથે જ તેમણે ઈરાન, ચીન, ભારત સહિતના દેશોના લોકો વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો.

ભારતને લઈને ઈરાનનું શું વલણ?

પેઝેશ્કિયાન ત્રણ દિવસની મુલાકાતે શુક્રવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની ભારત મુલાકાતનો મુખ્ય હેતુ BRICS શિખર સંમેલનમાં ભાગ લેવાનો છે.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ભારતના BRICS નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઈરાન ભારતને એક મોટા અને ઝડપથી વિકસતા દેશ તરીકે જુએ છે. તેમના જણાવ્યા મુજબ, BRICS હાલમાં ખૂબ મહત્વપૂર્ણ સંસ્થા છે અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા પણ વધી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અરાઘચીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત BRICS અને તેના સભ્ય દેશોનું અસરકારક રીતે નેતૃત્વ કરી શકે છે.

આ કાર્યક્રમમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી ઉપરાંત મીરવાઇઝ ઉમર ફારૂક, પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણ સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ‘I am sorry for my actions’: MSU ક્લાસરૂમમાં KISSનો વીડિયો વાયરલ થતાં વિદ્યાર્થિનીએ માફી માગી

Back to top button