ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમેરિકામાં ભારતીયોને લઈને કેમ વધી રહ્યો વિવાદ? ‘Mr Singh’ પોસ્ટથી H-1B સુધી ત્રણ મુદ્દા ચર્ચામાં

US India Controversy: અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનેક ઘટનાક્રમ સામે આવ્યા છે જેના કારણે ભારત અને ભારતીય મૂળના લોકોમાં ચિંતા વધી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની  Department of Homeland Security (DHS)ની વિવાદાસ્પદ ‘Mr Singh’ પોસ્ટ, ત્રણ ભારત સ્થિત કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની અમેરિકન સાંસદોની માંગ અને H-1B સહિત કેટલાક વર્ક વિઝા ધારકો માટે નોકરી ગયા બાદ મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવાની દરખાસ્ત ચર્ચાના કેન્દ્રમાં છે.

Mr Singh પોસ્ટથી કેમ થયો મોટો વિવાદ?

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ 9 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર એઆઈથી બનાવવામાં આવેલી એક તસવીર શેર કરી હતી. તેમાં દાઢીવાળા વ્યક્તિને મિસ્ટર સિંહ તરીકે દર્શાવી અમેરિકાના રસ્તાઓ છોડવા અને સ્વૈચ્છિક રીતે દેશ છોડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોસ્ટમાં ટ્રાન્સફોર્મર ફિલ્મના પાત્રનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય અને શીખ સંગઠનોએ આ પોસ્ટને વંશીય સ્ટીરિયોટાઇપિંગ અને ભેદભાવપૂર્ણ ગણાવી હતી.

વિવાદ વધ્યા બાદ આ પોસ્ટ DHSના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવવામાં આવી. શીખ કોલિશન અને અન્ય સંગઠનોએ કહ્યું કે સિંહ જેવા સામાન્ય શીખ નામનો આ રીતે ઉપયોગ કરવાથી સમગ્ર સમુદાય અંગે ખોટી છબી ઊભી થઈ શકે છે.

ભારતીય કંપનીઓને અમેરિકામાં બ્લેકલિસ્ટ કરવાની માંગ

આ વચ્ચે અમેરિકાના ત્રણ સાંસદોએ ત્રણ ભારતસ્થિત કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડેમોક્રેટિક સેનેટર Ron Wyden, Sheldon Whitehouse અને રિપબ્લિકન પ્રતિનિધિ Pat Harriganએ અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકને પત્ર લખીને બેલટ્રોક્સ, સાઈબરરૂટ અને સનકિસ્ડ ઓર્ગેનિક ફાર્મ પ્રાઈવેટ લિમિટેડને કોમર્સ ડિપાર્ટમેન્ટના એન્ટિટી લિસ્ટમાં સામેલ કરવાની માંગ કરી છે. સાંસદોએ આ કંપનીઓ પર અમેરિકન નાગરિકો, વ્યવસાયો અને વકીલો સામે વર્ષો સુધી કથિત હેક ફોર હાયર અને જાસૂસી પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ મૂક્યો છે.

મહત્ત્વની વાત એ છે કે આ કંપનીઓ હાલમાં માત્ર સાંસદોની માંગને કારણે બ્લેકલિસ્ટ થઈ ગઈ નથી. અંતિમ નિર્ણય અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે કરવાનો છે. સંબંધિત કંપનીઓ તરફથી અગાઉ આવા આરોપોનો ઇનકાર પણ કરવામાં આવ્યો છે.

H-1B વિઝા ધારકો માટે નવી ચિંતા

ભારતીય પ્રોફેશનલ્સ માટે સૌથી મોટો મુદ્દો H-1B સહિતના અમેરિકન વર્ક વિઝા સાથે જોડાયેલો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ એવી દરખાસ્ત મૂકી છે જેમાં નોકરી ગુમાવ્યા બાદ કેટલાક નોન-ઇમિગ્રન્ટ વર્કર્સને મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવાની વાત છે. હાલની વ્યવસ્થામાં H-1B વિઝા પર કામ કરનાર વ્યક્તિની નોકરી જાય તો તેને સામાન્ય રીતે મહત્તમ 60 દિવસ સુધી અમેરિકામાં રહીને નવી નોકરી શોધવા, અન્ય યોગ્ય વિઝા સ્ટેટસ માટે અરજી કરવા અથવા દેશ છોડવાની તૈયારી કરવા સમય મળી શકે છે. જો નવી દરખાસ્ત અંતિમ સ્વરૂપે અમલમાં આવે તો નોકરી ગુમાવનાર વિદેશી કર્મચારીઓ માટે અમેરિકામાં કાયદેસર રીતે રહેવાનો આ સમયગાળો દૂર થઈ શકે છે. આ ફેરફાર ખાસ કરીને ભારતીય કર્મચારીઓ માટે મહત્વનો છે, કારણ કે H-1B પ્રોગ્રામમાં ભારતીય પ્રોફેશનલ્સનો હિસ્સો ઘણો મોટો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શા માટે ભારતીયો પર અસર વધુ દેખાય છે?

અમેરિકાની ટેક્નોલોજી અને અન્ય કુશળ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ કામ કરે છે. H-1B વિઝા, ગ્રીન કાર્ડની લાંબી રાહ અને ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારનો સીધો પ્રભાવ તેથી ભારતીય પરિવારો પર મોટા પ્રમાણમાં પડે છે. બીજી તરફ ટ્રક ડ્રાઇવરોને લઈને ચાલી રહેલી ઇમિગ્રેશન કાર્યવાહીમાં સિંહ જેવા  ભારતીય-શીખ નામનો ઉપયોગ થવાથી આ મુદ્દો માત્ર ઇમિગ્રેશન પોલિસી સુધી સીમિત ન રહીને વંશીય અને ધાર્મિક ઓળખ અંગેના વિવાદમાં ફેરવાયો છે.

આ પણ વાંચોઃ બેંકિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારો થવાની તૈયારી, બદલાઈ શકે છે ઘણી મોટી બેંકોના CEO
Back to top button