બાંગ્લાદેશમાં હિંસા ભડકી: યુનુસના પૈતૃક ઘર સહિત અનેક સ્થળે આગજની, બોમ્બ વિસ્ફોટ

Political Violence : બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વચ્ચે ફરી હિંસા ભડકી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા ‘લોકડાઉન’ પહેલાં દેશના અનેક વિસ્તારોમાં આગજની, બોમ્બ વિસ્ફોટ અને હુમલાની ઘટનાઓ સામે આવી છે. રાજધાની ઢાકામાં અનેક દેશી બોમ્બ ફૂટતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસમાં સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરીદપુર સહિતના વિસ્તારોમાં મોહમ્મદ યુનુસના ગ્રામીણ બેંકની અનેક શાખાઓને આગ લગાડવામાં આવી હતી. ચટગાંવના પાંચલાઈશ વિસ્તારમાં વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક ઘર પર પણ અજાણ્યા શખસોએ આગચંપી કરી હતી. બીજી તરફ, અખબારી અહેવાલો અનુસાર, વડાપ્રધાન તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકરોએ ઢાકામાં અવામી લીગના બે નેતાઓનાં ઘરો પર રાત્રિના સમયે હુમલો કરીને આગ લગાવી હતી.
28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોનાં મોત
બાંગ્લાદેશના 64 વહીવટી જિલ્લાઓમાંથી 28 જિલ્લામાં ડઝનબંધ દેશી બોમ્બ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે. અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી છે. હિંસાની ઘટનાઓમાં ઢાકામાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. પશ્ચિમના નરાઈલ જિલ્લામાં BNPની રેલી પર અવામી લીગના કાર્યકરોએ હુમલો કર્યો હતો, જેમાં સત્તારૂઢ પક્ષના બે સ્થાનિક નેતાઓનાં મોત થયાં હતાં. ફરીદપુર અને પિરોજપુરમાં પણ એક BNP નેતા અને એક પરિવહન કર્મચારીનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.
શેખ હસીનાની વાપસીના નિવેદન બાદ તણાવ વધ્યો
અવામી લીગે ગયા વર્ષે વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં તેમની ગેરહાજરીમાં ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજાની વર્ષગાંઠ નિમિત્તે લોકડાઉનનું એલાન કર્યું હતું. હસીના 5 ઓગસ્ટ, 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા પરથી હટાવવામાં આવ્યાં હતાં અને ત્યારથી ભારતમાં રહે છે.
આ મહિનાની શરૂઆતમાં હસિનાએ મૃત્યુદંડની સજા છતાં ડિસેમ્બરમાં કોઈપણ સંજોગોમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી. ત્યારથી દેશમાં રાજકીય તણાવ વધી રહ્યો છે. મંગળવારે તેમના ગૃહજિલ્લા તુંગીપારામાં આશરે 30 શંકાસ્પદ સમર્થકોની ધરપકડ બાદ સેંકડો લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. પરિસ્થિતિ વણસતાં પોલીસે સ્ટેશન ખાલી કરવું પડ્યું હતું.
બુધવારે રાત્રે વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગને ‘આતંકવાદી સંગઠન’ અને ‘પરાજિત ફાસીવાદી શક્તિ’ ગણાવી લોકશાહી સમર્થક પક્ષોને એકજૂથ થવાની અપીલ કરી હતી. તેમણે 2024ના આંદોલનની ભાવના સાથે ફરી એકવાર એક થવા અને નિરંકુશ શક્તિઓને નિર્ણાયક હાર આપવા હાકલ કરી હતી.
સુરક્ષા વધારી, 565 લોકોની ધરપકડ
હિંસાને કાબૂમાં લેવા માટે શેખ હસીનાના જન્મસ્થળ ગોપાલગંજ સહિત સંવેદનશીલ જિલ્લાઓમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના હજારો જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે 24 કલાકના અભિયાન દરમિયાન માત્ર ઢાકામાંથી જ 565 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હસીના સરકારના પૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે. ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે ઓડિયો અને વીડિયો પુરાવાના આધારે હિંસા તથા તોડફોડમાં સામેલ લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: દિલજીતના કોન્સર્ટ પહેલાં મોદી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું, 1300 જવાનો સાથે સુરક્ષાની કડક વ્યવસ્થા












