VGGS 2027માં આસામની ભાગીદારી, નવા રોકાણના દ્વાર ખુલશે
Vibrant Gujarat Global Summit: આગામી વર્ષે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027’ (VGGS) ને ભવ્ય અને સફળ બનાવવા માટે રાજ્ય સરકારે દેશભરમાં આમંત્રણ અને રોડ-શોની કવાયત તેજ કરી છે. જે અંતર્ગત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની રૂબરૂ મુલાકાત લઈને તેમને સમિટમાં સહભાગી થવા માટે ઔપચારિક આમંત્રણ પાઠવ્યું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આસામ રાજ્ય VGGS-2027 માં ‘પાર્ટનર સ્ટેટ’ (ભાગીદાર રાજ્ય) તરીકે જોડાશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેનાથી બંને રાજ્યો વચ્ચેના આર્થિક અને ઔદ્યોગિક સંબંધોને નવી ગતિ મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓઈલ-ગેસ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને રોકાણની તકો પર વિસ્તૃત મંથન
આ મુલાકાત દરમિયાન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન/ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ (IAS) સહિત ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું. અવંતિકા સિંઘે આસામ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજીને ઓઈલ, ગેસ અને ઊર્જા ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિ અંગે માહિતી આપી હતી. બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહયોગ, પરસ્પર મૂડીરોકાણ અને વેપાર-વાણિજ્યની નવી તકો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
વૈશ્વિક મંચ પર આસામ પોતાની ઔદ્યોગિક ક્ષમતાઓનું પ્રદર્શન કરશે
વાઇબ્રન્ટ સમિટમાં ‘પાર્ટનર સ્ટેટ’ તરીકે જોડાઈને આસામ વૈશ્વિક રોકાણકારો સમક્ષ પોતાના વિવિધ ઉદ્યોગો, પ્રવાસન અને રોકાણની વિપુલ તકોનું પ્રદર્શન કરશે. આ ભાગીદારીથી ઉત્તર-પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના આ બે અગ્રણી રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય વ્યાપારિક સંબંધો વધુ સુદ્રઢ બનશે.
આ પણ વાંચો:PM મોદીની ઉદ્યોગ જગતને મોટી અપીલ, ઉત્પાદન અને નિકાસ વધારવા અંગે કરી અપીલ
10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે સમિટ
ઉલ્લેખનીય છે કે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027’નું આયોજન આગામી 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક સમિટ વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને ઇનોવેટર્સને એક મંચ પર લાવીને નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગના નવા દ્વાર ખોલશે.












