દિલજીતના કોન્સર્ટ પહેલાં મોદી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું, 1300 જવાનો સાથે સુરક્ષાની કડક વ્યવસ્થા

Diljit Concert Security : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બર, 2026ના રોજ પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવાનો છે. કોન્સર્ટને લઈને અગાઉ અનેક વખત બોમ્બની ધમકી (Bomb Threat) મળતાં અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાની તૈયારીઓ વધુ કડક કરવામાં આવી છે. કોન્સર્ટ દરમિયાન JCP, DCP, PI સહિત 1,300થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સ્ટેડિયમ, પાર્કિંગ અને પ્રવેશદ્વારો પર બોમ્બ સ્કવોડ (Bomb Squad) તથા ડોગ સ્કવોડ (Dog Squad) દ્વારા સતત તપાસ કરવામાં આવશે.
સ્ટેડિયમ, પાર્કિંગ અને ગેટ પર ચુસ્ત સુરક્ષા
દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને મળેલી ધમકીઓના પગલે અમદાવાદ પોલીસે વિશેષ સુરક્ષા આયોજન તૈયાર કર્યું છે. સ્ટેડિયમના તમામ પ્રવેશદ્વારો, પાર્કિંગ વિસ્તાર અને આસપાસના સ્થળોએ બોમ્બ સ્કવોડ તથા ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ધમકી આપનાર ઈમેલ આઈડીની તપાસ અને મોનિટરિંગ સાયબર ક્રાઈમ સેલ (Cyber Crime Cell) દ્વારા કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવશે. કોન્સર્ટ શરૂ થાય તે પહેલાંથી લઈને કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ સતર્ક રહેશે.
CCTV અને ડ્રોનથી સમગ્ર વિસ્તાર પર નજર
કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમમાં CCTV કેમેરા અને ડ્રોન (Drone Surveillance) દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાથી ભીડ નિયંત્રણ (Crowd Management) માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેમ્પેડ જેવી ઘટના ટાળવા હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે અને અલગ-અલગ ગેટ પરથી લોકોને પ્રવેશ આપવામાં આવશે, જેથી કોઈ એક પ્રવેશદ્વાર પર ભીડ એકત્ર ન થાય.
સાદા કપડામાં પોલીસકર્મીઓ પણ રહેશે તૈનાત
કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરી, ટિકિટની કાળાબજારી અને અન્ય ગુનાખોરી અટકાવવા સાદા કપડાંમાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ (SHE Team)ની મહિલા કર્મચારીઓ પણ સાદા કપડાંમાં સ્થળ પર ફરજ બજાવશે. રસ્તાથી લઈને સ્ટેડિયમના સ્ટેજ સુધી અલગ-અલગ સુરક્ષા સ્તરો (Security Layers) ગોઠવવામાં આવશે. સ્ટેડિયમ તરફ આવતા શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવશે. પ્રવેશદ્વાર પર ચેકિંગ બાદ સ્ટેડિયમની અંદર પણ ફરી તપાસ કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્ટેજ પાસે પણ પોલીસ બંદોબસ્ત
સ્ટેજ નજીકના સ્ટેન્ડિંગ એરિયામાં પણ પોલીસકર્મીઓ તૈનાત રહેશે, જેથી ભીડ વધી ન જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. મહિલાઓ માટે અલગ ચેકિંગ વ્યવસ્થા રાખવામાં આવશે. કોન્સર્ટના એક દિવસ પહેલાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ (Security Rehearsal) પણ કરવામાં આવશે. અમદાવાદ પોલીસનો મુખ્ય હેતુ હજારો સંગીતપ્રેમીઓની હાજરી વચ્ચે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવાનો અને કોઈપણ સંભવિત જોખમને અગાઉથી અટકાવવાનો છે.












