ટ્રેન્ડિંગનેશનલ

‘કૃષ્ણ જન્મભૂમિ પર જલ્દી થશે હનુમાન ચાલીસા પાઠ’, કુંડાથી ધીરેન્દ્ર શાસ્ત્રીનું એલાન

Dhirendra Krishna Shastri:  ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડામાં રાજા ભૈયા તરફથી ભવ્ય કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કથાના ત્રીજા દિવસે કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કૃષ્ણ જન્મભૂમિને લઈને મોટું નિવેદન આપ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે કૃષ્ણ જન્મભૂમિ માટે તમામ સંતો એકજૂટ છે અને ટૂંક સમયમાં જ અખાડા પરિષદ તથા સંતો સાથે મળીને ત્યાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે સનાતન સમાજના લોકો આ મુદ્દે સાથે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન બાદ કથાના મંચ પરથી અયોધ્યા બાદ હવે મથુરામાં ભગવાન કૃષ્ણની જન્મભૂમિનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

કૃષ્ણ જન્મભૂમિ માટે સંતોની એકજૂટતાની વાત

કુંડામાં ચાલી રહેલી આ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે કૃષ્ણ જન્મભૂમિના મુદ્દે સંતો વચ્ચે સંપૂર્ણ એકતા છે. અખાડા પરિષદ અને સંતો સાથે મળીને આ અભિયાન આગળ વધારવામાં આવશે.

રાજા ભૈયા દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજકારણના અનેક મોટા ચહેરાઓ પહોંચી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય બ્રિજેશ સિંહ, સુશીલ સિંહ અને બ્રિજભૂષણ શરણ સિંહ સહિતના નેતાઓ અહીં હાજર રહ્યા હતા. યોગ ગુરુ બાબા રામદેવે પણ કથામાં ભાગ લીધો હતો, જ્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ આ આયોજનમાં સામેલ થયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન: દિવાળી વેકેશન બાદ મુસાફરોની ભીડને પગલે રેલવેનો નિર્ણય

રાજા ભૈયા ખુદ કથામાં આવનાર મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. તેઓ નેતાઓ, સંતો અને અન્ય મહેમાનોને મંચ સુધી લઈ ગયા હતા. ૧૭ તારીખથી શરૂ થયેલી આ ચાર દિવસીય કથામાં ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યો અને વિદેશથી પણ રાજા ભૈયાના અંગત સંપર્કના લોકો સામેલ થઈ રહ્યા છે.

અખિલેશ યાદવ પર ભાજપના ધારાસભ્યના પ્રહારો

કથામાં પહોંચેલા ભાજપના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે અખિલેશ યાદવના કૃષ્ણ પ્રેમ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો અખિલેશ યાદવને ભગવાન કૃષ્ણ પ્રત્યે આટલો જ લગાવ હોય, તો તેમણે કૃષ્ણ જન્મભૂમિ માટે આંદોલન કરવું જોઈએ અને પદયાત્રા કાઢવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે અખિલેશ યાદવ માત્ર વોટની રાજનીતિ કરી રહ્યા છે.

રાકેશ પ્રતાપ સિંહે ઉમેર્યું કે રાજનીતિ અને આસ્થા અલગ-અલગ વિષયો છે. તમામ દેવી-દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. જો કથા કરાવવાથી વોટ વધતા હોય, તો વિપક્ષે પણ મોટી કથા કરાવવી જોઈએ.

બીજી તરફ, કથામાં સામેલ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે કુંડામાં થઈ રહેલી કથાની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. જ્યાં-જ્યાં કમળનું ફૂલ ખીલેલું છે, ત્યાં ભગવાનની કથા થતા કોઈ રોકી શકતું નથી. અખિલેશ યાદવના ગોરખપુર પ્રવાસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જે લોકો પહેલા મંદિર નહોતા જતા, તેઓ હવે મંદિર જવા લાગ્યા છે.

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓના ધાર્મિક આયોજનોની ચર્ચા તેજ બની છે. મનોજ પાંડે, સુશીલ સિંહ અને બ્રિજભૂષણ શરણ સિંહ જેવા નેતાઓના આયોજનો વચ્ચે હવે રાજા ભૈયાની કથા પણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં ધાર્મિક મુદ્દાઓની સાથે રાજકીય નિવેદનો પણ સામે આવી રહ્યા છે.

Back to top button