પાકિસ્તાનમાં બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ટક્કર, 10 લોકો જીવતા ભડથું, 27 ઘાયલ
Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 27 લોકો ઘાયલ થયા છે. ટક્કર બાદ બંને વાહનોમાં તરત જ આગ લાગી ગઈ હતી, જેના કારણે અનેક મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા.
આ અકસ્માત ગુરુવારે સવારે આશરે 10:30 વાગ્યે ગ્વાદર જિલ્લાના ઓરમારા વિસ્તારમાં બસોલ નજીક કોસ્ટલ હાઈવે પોલીસ ચેકપોસ્ટ પાસે થયો હતો. તુર્બતથી કરાચી જઈ રહેલી એક ખાનગી પેસેન્જર બસની સામેથી આવી રહેલા LPG ગેસ ટેન્કર સાથે ટક્કર થઈ હતી. આ ટેન્કર કરાચીથી ગ્વાદર નજીક આવેલી ઈરાન-ગાબદ સરહદ તરફ જઈ રહ્યું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોમાં તાત્કાલિક આગ ફાટી નીકળી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા
અકસમાત સમયે બસમાં મહિલાઓ અને બાળકો સહિત 40થી વધુ મુસાફરો સવાર હતા. આગની લપેટમાં અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. ઓરમારાના DSP નબી બખ્શ રુન્ઝાના જણાવ્યા અનુસાર, તમામ 10 લોકોનાં મોત ગંભીર રીતે દાઝી જવાને કારણે થયાં હતાં. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કામગીરી દરમિયાન મુસાફર બસમાંથી 8 મૃતદેહો, જ્યારે ગેસ ટેન્કરમાંથી 2 મૃતદેહો મળી આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કલાકો સુધી હાઈવે પર ટ્રાફિક ખોરવાયો
અકસમાતની જાણ થતાં પાકિસ્તાનની સેના, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સંયુક્ત બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ભયાનક અકસ્માતને કારણે હાઈવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદના નિકોલમાં ATMમાં તોડફોડ, સ્થાનિકોએ આરોપીને ઝડપ્યો
અગાઉ પણ કોસ્ટલ હાઈવે પર થયા છે ભયાનક અકસ્માત
બલૂચિસ્તાનના આ વિસ્તારમાં અગાઉ પણ અનેક ગંભીર માર્ગ અકસ્માતો થઈ ચૂક્યા છે.
ઓગસ્ટમાં અકસ્માત: ગ્વાદર જિલ્લાના ઓરમારા વિસ્તારમાં કોસ્ટલ હાઈવે પર એક ઝડપી ગેસ ટેન્કરે કારને સામેથી ટક્કર મારી હતી. કાર પલટી જતાં એક જ પરિવારના 6 લોકોનાં દાઝી જવાથી મોત થયા હતા.
માર્ચમાં અકસ્માત: કોસ્ટલ હાઈવે પર બે વાહનો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક બાળક સહિત 7 લોકોનાં મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા.
જાન્યુઆરીમાં અકસ્માત: ઓરમારા નજીક કોસ્ટલ હાઈવે પર એક મુસાફર વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.












