ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

India-US Trade Deal: 99% ચર્ચા પૂર્ણ, અંતિમ મહોર માટે 4 જૂન સુધી ચાલશે મહત્વપૂર્ણ બેઠકો

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. હવે આ મામલે અંતિમ નિર્ણય આવી શકે છે. અમેરિકાનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સોમવાર, 1 જૂને ચાર દિવસની ભારત મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત-અમેરિકા વચ્ચેના અંતરિમ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે.

દ્વિપક્ષીય વેપાર કરારને લઈને 4 જૂન સુધી સતત બેઠકો યોજાશે. અમેરિકી વાટાઘાટકારોની ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરશે, જ્યારે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ દર્પણ જૈન કરશે અને તેઓ આગળની ચર્ચાઓને આગળ વધારશે.

ટ્રેડ ડીલ પર 99% ચર્ચા પૂર્ણ

આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે જણાવ્યું કે ભારત અને અમેરિકા તેમના પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે. તેમણે કહ્યું કે કરારને લઈને લગભગ 99 ટકા ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે માત્ર કેટલીક નાની-મોટી બાબતોના ઉકેલ પર કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે પોતાના પ્રથમ BTA પર હસ્તાક્ષર કરશે. ગોયલના જણાવ્યા અનુસાર, આ કરારની સત્તાવાર જાહેરાત પહેલાં બાકી રહેલા કેટલાક મુદ્દાઓને ઉકેલવા માટે બંને પક્ષો વચ્ચે 2 જૂનથી 4 જૂન દરમિયાન ચર્ચાઓ ચાલુ રહેશે.

4 જૂન સુધી ભારતમાં રહેશે અમેરિકી અધિકારીઓ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેની ચર્ચા 7 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન બાદ આગળ વધી રહી છે. આ નિવેદનમાં બંને દેશોએ BTA (દ્વિપક્ષીય વેપાર કરાર)ના પ્રથમ તબક્કાના માળખા કે અંતરિમ વેપાર કરાર પર સહમતિ વ્યક્ત કરી હતી. હવે બંને દેશો આ કરારના કાનૂની ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. અમેરિકી પ્રતિનિધિમંડળના અધિકારીઓ 4 જૂન સુધી નવી દિલ્હીમાં રહેશે અને વેપાર કરાર સંબંધિત ચર્ચાઓને આગળ વધારશે. આ બેઠકો દરમિયાન બાકી રહેલા મુદ્દાઓના ઉકેલ અને કરારને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગયા અઠવાડિયે એક નિવેદનમાં કહ્યું હતું કે બંને પક્ષોએ ભારત-અમેરિકા વચગાળાના કરારના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવા અને બજાર ઍક્સેસ, નોન-ટેરિફ પગલાં, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, રોકાણ પ્રોત્સાહન અને આર્થિક સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રો પર વ્યાપક BTA હેઠળ વાટાઘાટોને આગળ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ચર્ચાઓનો હેતુ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ ભવિષ્યમાં વ્યાપક વેપાર કરાર માટેનો માર્ગ સરળ બનાવવાનો છે.

ટેરિફ મુદ્દે પણ થશે ચર્ચા

ડ્રાફ્ટ મુજબ, અમેરિકાએ ભારત પર લાગુ કરવામાં આવેલા ટેરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા માટે સહમતિ દર્શાવી હતી. ઉપરાંત, રશિયન તેલની ખરીદીના મુદ્દે ભારતીય માલસામાન પર લગાવવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફને પણ દૂર કરવાની વાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી કાનૂની ઝટકો મળ્યો હતો અને તેમના ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. આ કાનૂની ઝટકા બાદ ટ્રમ્પે 24 ફેબ્રુઆરીથી 150 દિવસ માટે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

ટેરિફ નીતિમાં આવેલા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર ચર્ચા દરમિયાન આ મુદ્દે પણ પુનર્વિચાર થઈ શકે છે અને બંને પક્ષો નવી પરિસ્થિતિને અનુરૂપ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી શકે છે.

ભારતે આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી અંદાજે 500 અબજ ડોલરના મૂલ્યની વિવિધ વસ્તુઓની આયાત કરવાની યોજના અંગે સંકેત આપ્યો છે. તેમાં ઊર્જા ઉત્પાદનો, વિમાનો અને તેના સ્પેર પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેક્નોલોજી સંબંધિત ઉત્પાદનો તેમજ કોકિંગ કોલસાનો સમાવેશ થાય છે.

યુએસ રાજદૂતે આપ્યા હતા આ સંકેતો

ANIના અહેવાલ મુજબ, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ ગયા શુક્રવારે સંકેત આપ્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંગેની ચર્ચા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેમણે IIT દિલ્હી ખાતે યોજાયેલા યુએસ-ઇન્ડિયા ટ્રસ્ટ ઇનિશિયેટિવ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ભારતે ટ્રેડ ડીલના બાકી રહેલા અંતિમ 1 ટકાના મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન DC મોકલ્યું હતું અને હવે ભારત અમેરિકી પ્રતિનિધિમંડળનું સ્વાગત કરી રહ્યું છે.

ગોરે વધુમાં કહ્યું હતું, “અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી થોડા અઠવાડિયા અથવા મહિનાઓમાં વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ જશે.” આ નિવેદનથી બંને દેશો વચ્ચેના વેપાર કરારને લઈને આશાવાદ વધુ મજબૂત બન્યો છે.

આ પણ વાંચો: Twisha Sharma Case: ગિરિબાલાએ ફાંસીનો ફંદો ખોલ્યો, સમર્થે લાશ નીચે ઉતારી, CBIએ કર્યુ ઘટનાનું રિક્રિએશન

Back to top button