સિંધુ જળ સંધિ પર ભારત અડગ, પાકિસ્તાન કરી રહ્યું છે વાતચીતની અપીલ
Indus Water Treaty : ભારતના કડક વલણ વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) અંગે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સિંધુ જળ સંધિ પર કાયમી મધ્યસ્થતા અદાલત (Permanent Court of Arbitration – PCA) ના ચુકાદાને ટાંકીને પાકિસ્તાને ભારતને 1960ની સંધિ હેઠળ જળ વહેંચણીના મુદ્દા પર રચનાત્મક અને હકારાત્મક મંત્રણા કરવા અપીલ કરી છે. પાકિસ્તાને બુધવારે જણાવ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિના દાયરામાં રહીને વાતચીત કરવી જોઈએ, કારણ કે આ એક એવી આંતરરાષ્ટ્રીય સંધિ છે જે બંને દેશોએ ગંભીરતાપૂર્વક સ્વીકારી હતી.
પાકિસ્તાનની વિનંતી
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ જણાવ્યું હતું કે કાયમી મધ્યસ્થતા અદાલતે પોતાના ચુકાદામાં પુનરોચ્ચાર કર્યો છે કે સિંધુ જળ સંધિ સંપૂર્ણપણે અમલમાં અને બંને દેશો માટે બંધનકર્તા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ ચુકાદાનો અમલ કરાવવા અને સંધિનું સન્માન સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં ભરશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અંદ્રાબીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના પોતાના નિર્ણયને રદ કરવા સંબંધિત મધ્યસ્થતા અદાલતના આદેશને માનવાનો ઇનકાર કરી દીધો છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે આ મામલે ટ્રિબ્યુનલનું અધિકારક્ષેત્ર સ્વીકાર્ય નથી અને તેનો આદેશ ભારત પર બંધનકર્તા નથી.
આ પણ વાંચો: સરકારનો હાઇબ્રિડ રેલ-રોડ મોડલ, હવે 19 શહેરોમાં ₹35 કિલો મળશે ડુંગળી
ભારતના આકરા વલણ સામે નમતું જોખ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે અનેક રાજદ્વારી અને આર્થિક પગલાં લીધાં હતાં. આ જ ક્રમમાં સિંધુ જળ સંધિને પણ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા. ભારતના આ પગલાંને પડકારવા માટે પાકિસ્તાને આ વર્ષે માર્ચમાં હેગ સ્થિત કાયમી મધ્યસ્થતા અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.
પાકિસ્તાનનો તર્ક હતો કે સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સ્થગિત કરી શકાય નહીં. તાહિર અંદ્રાબીએ જણાવ્યું કે અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ સંધિ હજુ પણ સંપૂર્ણપણે પ્રભાવી છે અને બંને દેશો પર લાગુ પડે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન અદાલતના આદેશનો અમલ કરાવવા માટે ઉપલબ્ધ તમામ કાનૂની અને રાજદ્વારી વિકલ્પોનો ઉપયોગ કરશે.
જોકે, ભારત પોતાના વલણ પર અડગ છે અને તેણે સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સીમાપાર આતંકવાદ સાથે જોડાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખતાં તેના નિર્ણયો કોઈ બાહ્ય મંચ દ્વારા નક્કી કે નિર્દેશિત કરી શકાય નહીં. આ સંજોગોમાં સિંધુ જળ સંધિને લઈને બંને દેશો વચ્ચે કાનૂની અને રાજદ્વારી વિવાદ આગામી સમયમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો: રામ મંદિરના નવા CEO જીતેન્દ્ર મિશ્રાનો પહેલો રિએક્શન, જાણો શું કહ્યું












