મોરબીના લેવિસ સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું, રાજકોટમાં પણ તપાસ

રાજકોટ, તા. 16 સપ્ટેમ્બર, 2025: રાજકોટ અને મોરબીમાં ઇન્કમ ટેક્સ વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા છે. લાંબા સમય બાદ રાજકોટમાં આવકવેરા વિભાગે આ કાર્યવાહી કરી છે, જેમાં જાણીતા બિલ્ડરો અને મોરબીના લેવિસ સિરામિક સહિત કુલ 40થી વધુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય કેટલાક ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી વ્યક્તિઓના સ્થળો પર પણ તપાસ ચાલી રહી છે.
આવકવેરા વિભાગની 250થી વધુ અધિકારીઓની ટીમ સવારથી જ આ સ્થળો પર ત્રાટકી છે. આ ટીમને પોલીસનો પણ સહયોગ મળી રહ્યો છે. દરોડા દરમિયાન, ટીમો દ્વારા વિવિધ દસ્તાવેજો, કોમ્પ્યુટર્સ અને અન્ય ડિજિટલ સાધનોની તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા મુખ્યત્વે કરચોરી, બિનહિસાબી વ્યવહારો અને મિલકતો સંબંધિત માહિતી મેળવવા માટે પાડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઇન્કમ ટેક્સ વિભાગને આ ગ્રુપ્સ દ્વારા મોટા પાયે કરચોરી કરવામાં આવી હોવાની અને બિનહિસાબી મિલકતો ખરીદવામાં આવી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ દરોડાથી મોટા પાયે બિનહિસાબી નાણાં અને વ્યવહારોનો પર્દાફાશ થવાની શક્યતા છે. આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસું જતા જતા બોલાવશે ધબધબાટી, 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ












