ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસું જતા જતા બોલાવશે ધબધબાટી, 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર, 2025: રાજ્યમાં ચોમાસું વિદાય લે તે પહેલા અનેક વિસ્તારોને જળબંબાકાર કરશે. હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આવતીકાલે 21થી વધારે જિલ્લા અને 18-19 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા હતા. ચિખલીમાં 2.95 ઇંચ, ખેરગામમાં 1.93 ઇંચ, સુબીરમાં 1.73 ઇંચ, વાલોડમાં 1.57 ઇંચ. ગણદેવીમાં 0.47 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાયના 16 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આજે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરુચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 17 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરુચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે.

17 સપ્ટેમ્બર સુધી 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 18-19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ બે દિવસ દરમિયાન 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 108.21 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્યમાં 110.18 ટકા, સૌરાષ્ટ્રમાં 93.89 ટકા, દક્ષિણ ગુજરાતમાં 111.64 ટકા વરસાદ વરસ્યો છે.

Back to top button