મનોરંજન

ટ્રોલર્સ પર ભડકી અભિનેત્રી રશ્મિકા મંદાના: “વિજય દેવેરાકોંડાને 1000 વાર પ્રપોઝ કરવા તૈયાર છું”

Rashmika Mandanna Instagram Post Trolls Reply: સાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પતિ વિજય દેવેરાકોંડા સાથેના તેના સંબંધો અને લગ્નને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી સતત ટ્રોલિંગ સામે આકરો જવાબ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક અને લાંબી નોંધ શેર કરતા રશ્મિકાએ ટ્રોલર્સને કડક શબ્દોમાં સંભળાવ્યું છે કે તે પોતાના લગ્નજીવનથી અત્યંત ખુશ છે. અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે વિજય સાથેનો તેનો સંબંધ કોઈ દબાણ કે એકતરફી નહોતો પરંતુ બંનેએ એકબીજાને પૂરા સમજીને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે.

સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર રશ્મિકાનો રોષ

પોતાની વાયરલ પોસ્ટમાં રશ્મિકાએ લખ્યું હતું કે, “અમારા ઇન્ટરવ્યૂ અને સંબંધો પર થઈ રહેલી ચર્ચાઓ અંગે મારી તરફથી આ એક નાની ટિપ્પણી છે. સામાન્ય રીતે હું આવી બાબતો પર બોલતી નથી, પરંતુ હાલનું વાતાવરણ લોકોના મંતવ્યો કરતાં પોતાનો ગુસ્સો કાઢવા માટે કોઈને નિશાન બનાવતા ટોળા જેવું લાગે છે. વાસ્તવિક મુદ્દો પાછળ રહી ગયો છે. હું આ પોસ્ટ એટલા માટે લખી રહી છું જેથી પ્રેમમાં વિશ્વાસ રાખનારા લોકોનો વિશ્વાસ જળવાઈ રહે. વિજય અને મારા સોશિયલ મીડિયા પર વગર કારણે અનિચ્છનીય સલાહનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.”

વિજયનો બચાવ અને લગ્ન પર રશ્મિકાનો ખુલાસો

વિજય પર લાગેલા આક્ષેપોનો બચાવ કરતા અભિનેત્રીએ જણાવ્યું કે, “અમે બંને સ્પષ્ટ હતા. વિજય ઈચ્છતો હતો કે અમે જીવનના ઉતાર-ચઢાવ અને વ્યવહારિકતાઓને સમજવા માટે એકબીજાને પૂરતો સમય અને જગ્યા આપીએ. આનાથી અમારા પ્રેમ પર કોઈ નકારાત્મક અસર પડી નહોતી. હું હૃદયથી વિચારું છું અને તે મગજથી વિચાર પૂરો કરે છે, અને એક સુંદર સંબંધ માટે આ બંને ગુણો જરૂરી છે. અમારા માટે લગ્ન ફક્ત ઘૂંટણિયે પડીને પ્રપોઝ કરવા પૂરતા સીમિત નહોતા, પરંતુ સાથે મળીને ભવિષ્ય બનાવવાની સુંદરયાત્રા હતી. હું મારા જીવનસાથીને ખૂબ પ્રેમ કરું છું અને 100 વાર જ નહીં પરંતુ 1000 વાર પણ તેને પ્રપોઝ કરવા તૈયાર છું.”

મફતની સલાહ આપતી ગર્લ્સ અને વાયરલ રીલ્સ બનાવનારાઓને આપ્યો સણસણતો જવાબ

વિજયને ‘રેડ ફ્લેગ’ ગણાવીને રશ્મિકાને સંબંધ તોડી નાખવાની સલાહ આપનારી રીલ્સ અંગે અભિનેત્રીએ લખ્યું કે, “જે છોકરીઓ મારી સલામતીના નામે મફતની સલાહ આપી રહી છે, તેમને હું કહેવા માંગુ છું કે હું આજે મારા જીવનમાં સૌથી વધુ ખુશ અને સંતુષ્ટ છું. મારી આ ખુશી મારા ચહેરા પર, મારી ફિલ્મોમાં અને મારા અભિનયમાં સ્પષ્ટ દેખાય છે. એક એવો પુરુષ શોધો જે તમને એટલો પ્રેમ કરે કે લગ્ન પછી પણ તમને ફરીથી કહેવાનું મન થાય કે ચાલો ફરી લગ્ન કરીએ. દરેક મુશ્કેલ ક્ષણમાં વિજય મારી સાથે મક્કમતાથી ઊભો રહ્યો છે.”

શા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યું હતું આ કપલ?

હકીકતમાં, ‘કોફી વિથ કરણ’ ના એક જૂના વાયરલ વીડિયોમાં રશ્મિકાએ ખુલાસો કર્યો હતો કે તેણે એરપોર્ટ પર વિજયને પ્રપોઝ કર્યું હતું અને વિજયની હા સાંભળવા માટે તેણે લગભગ 1 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિજય દેવેરાકોંડાને ટ્રોલ કરવામાં આવ્યો હતો. કેટલાક યુઝર્સે વિજયને “રેડ ફ્લેગ” કહ્યો હતો, તો કેટલાકે રશ્મિકાને વિજય કરતાં સિંગલ રહેવાની સલાહ આપી દીધી હતી. આ તમામ ટિપ્પણીઓનો અંત લાવવા માટે રશ્મિકાએ આ પોસ્ટ શેર કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઉદયપુરમાં યોજાયા હતા શાહી લગ્ન

દક્ષિણ ભારતીય સિનેમાના આ લોકપ્રિય સ્ટાર્સ વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક અત્યંત ખાનગી પણ ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. રાજસ્થાનના ઐતિહાસિક શહેર ઉદયપુરમાં યોજાયેલા આ લગ્નમાં સવારે તેલુગુ પરંપરા મુજબ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે સાંજના સમયે રશ્મિકાના વતન કૂર્ગની કોડાવ પરંપરા અનુસાર વિધિઓ થઈ હતી. લગ્ન પ્રસંગે રશ્મિકાએ અનામિકા ખન્નાની ડિઝાઇનર સાડી અને વિજયે પરંપરાગત ધોતી ધારણ કરી હતી.

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાને ટ્રોલ કરનારાઓને જાવેદ અખ્તરે આપ્યો સણસણતો જવાબ: ‘કોફી વિથ કરણ 9’ માં અભિનેત્રીએ વ્યક્ત કરી હતી દિલની વ્યથા

Back to top button