ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. જ્યારે પહાડી રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો ખતરો પણ યથાવત છે.

દિલ્હી-NCRમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન આશરે 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હીથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને ફ્લાઇટનું શેડ્યૂલ અગાઉથી તપાસવાની સલાહ આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

મધ્ય પ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ભોપાલ સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા બૈતૂલ, દમોહ, ટીકમગઢ, રાજગઢ અને નરસિંહપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આજે અને આવતીકાલે અનેક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે.

બિહારના 11 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

બિહારમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. અનેક જિલ્લાઓમાં તેજ પવન, ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.

લખીસરાય, મધુબની, ભાગલપુર, કિશનગંજ, પૂર્ણિયા, બેગુસરાય, વૈશાલી, જહાનાબાદ, સિવાન, દરભંગા અને બક્સર સહિત 11 જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઝારખંડમાં પણ 25થી 28 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં વરસાદ સાથે વીજળી પડવાનું જોખમ

ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદ, તેજ પવન અને વજ્રપાતને લઈને ચેતવણી જાહેર કરી છે.

વારાણસી, ચંદૌલી, ગાઝીપુર, જૌનપુર, બલિયા, પ્રતાપગઢ, ચિત્રકૂટ, મહોબા, બાંદા, હમીરપુર અને ઝાંસી સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

કાનપુર, લખનઉ, ઉન્નાવ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, સોનભદ્ર, અયોધ્યા, ગોરખપુર, બસ્તી, કુશીનગર, સીતાપુર અને બહરાઇચ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ, ગૌતમબુદ્ધ નગર, બુલંદશહેર, બાગપત, બિજનૌર, મુઝફ્ફરનગર, શામલી અને સહારનપુરમાં પણ હવામાન ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી છે.

પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો ખતરો

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 25થી 28 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદથી લઈને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, માર્ગો બંધ થવા અને નદીઓ-નાળાઓમાં પાણીનું સ્તર વધવાનો ખતરો બની શકે છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ 25થી 28 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પંજાબમાં પણ આ સમયગાળા દરમિયાન ક્યાંક ભારે વરસાદ થવાની સંભાવના છે.

ઓડિશામાં અતિભારે વરસાદની શક્યતા

25થી 28 ઓગસ્ટ દરમિયાન ઓડિશાના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદની શક્યતા છે અને કેટલાક સ્થળોએ ખૂબ ભારે વરસાદ પણ પડી શકે છે.

પશ્ચિમ બંગાળના ગંગા મેદાની વિસ્તારો, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ તથા આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં પણ આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી છે.

છત્તીસગઢમાં 25થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદ ચાલુ રહી શકે છે. આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના પણ છે.

પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વરસાદનું એલર્ટ

અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 26થી 28 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 25થી 28 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં કેવું રહેશે હવામાન?

કોંકણ અને ગોવામાં 25થી 28 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

વિદર્ભમાં આજે અને આવતીકાલે અનેક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ

તટીય આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં 25થી 28 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે તટીય કર્ણાટક, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. આવતીકાલે તટીય આંધ્ર પ્રદેશ, યનમ અને રાયલસીમામાં પણ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગાજવીજ અને વીજળી દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન

વરસાદ અને વીજળીની ચેતવણી વચ્ચે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કાપેલો પાક ખુલ્લામાં ન રાખવો, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું અને નબળા બાંધકામ કે વૃક્ષોની નીચે આશ્રય ન લેવો. વરસાદ દરમિયાન વાહન ધીમી ગતિએ અને સાવધાનીપૂર્વક ચલાવવું જોઈએ.

ખેડૂતોએ ખેતરમાં વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી અને ગાજવીજ દરમિયાન ખાતર તથા જંતુનાશક દવાનો છંટકાવ ટાળવો જોઈએ. તળાવો, નદીઓ અને અન્ય જળાશયોથી પણ સુરક્ષિત અંતર જાળવવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભોજશાળા વિવાદને લઈને ધાર બંધનું એલાન, લાલબાગમાં એકત્ર થશે હિંદુ સમાજ

Back to top button