ભારતીયોને બાંગ્લાદેશી ગણાવીને ડિપોર્ટ કરાયા: ‘ચાર સપ્તાહમાં પાછા લાવો’, HCનો કેન્દ્રને આદેશ

પશ્ચિમ બંગાળઃ 27 સપ્ટેમ્બર, 2025: કોલકાતા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે બાંગ્લાદેશ નિર્વાસિત કરાયેલા 6 ભારતીય નાગરિકો, જેમાં એક ગર્ભવતી મહિલા સુનાલી ખાતૂનનો સમાવેશ થાય છે, તેમને ચાર સપ્તાહની અંદર બંગાળ પાછા લાવવામાં આવે. જસ્ટિસ તાપાબ્રતા ચક્રવર્તી અને જસ્ટિસ રીતબ્રતો કુમાર મિત્રાની ડિવિઝન બેન્ચે આ નિર્વાસનને ખોટું ઠેરવ્યું હતું અને કેન્દ્રની અરજી જેમાં આદેશ ટાળવાની માંગણી કરાઈ હતીને ફગાવી દીધી હતી
ગેરકાયદેસર ડિપોર્ટેશન અને પોલીસ કાર્યવાહી
સુપ્રીમ કોર્ટે અગાઉ સુનાલી ખાતૂનના કેસને પ્રાથમિકતાના ધોરણે સાંભળવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે ડિપોર્ટેશનના આદેશને રદ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહિનાની અંદર આ નાગરિકોને ભારત પાછા લાવવાનો આદેશ આપ્યો છે. આ છ વ્યક્તિઓ બીરભૂમ જિલ્લાના બે પરિવારોના છે.
કોર્ટને શુક્રવારે માહિતી મળી કે કેન્દ્ર સરકાર આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી કરી રહી છે. આ તમામ છ લોકોને દિલ્હી પોલીસે 26 જૂનના રોજ દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)એ દસ્તાવેજોની ઊણપ અને બંગાળી બોલવાના સંકેતના આધારે તેમને બાંગ્લાદેશ પુશબેક કરી દીધા હતા.
હાઈકોર્ટનો સવાલ અને TMCનો રાજકીય પ્રહાર
સવાલ ઊઠાવતા ન્યાયાધીશોએ કહ્યું કે, ‘આ કોણ કરી શકે છે? આ નિર્વાસન ગેરકાયદે છે. તેઓ ભારતીય નાગરિકો છે. તે દિલ્હીમાં કામ કરી રહી હતી, પરંતુ તમે તેને બાંગ્લાદેશ મોકલી દીધી.’ આ નિર્ણય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ‘X’ પર પોસ્ટ કરીને ભાજપ પર બંગાળી-વિરોધી હોવાનો આરોપ મૂક્યો હતો.
અભિષેક બેનર્જીએ લખ્યું, ‘કોલકાતા હાઈકોર્ટે FRRO (દિલ્હી)ના કસ્ટડી અને નિર્વાસન આદેશને અવૈધ જાહેર કર્યો અને બીરભૂમના છ લોકોને, જેમાં એક ગર્ભવતી મહિલા સામેલ છે, તેમને તાત્કાલિક પાછા લાવવાનો નિર્દેશ આપ્યો. આ નિર્ણય બંગાળ-વિરોધીઓ દ્વારા બંગાળીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ક્રૂર અને સુનિયોજિત ઉત્પીડન અભિયાનને ઉજાગર કરે છે. અમે દોષિતોને અદાલતોમાં જાહેર ચર્ચામાં અને મતદાનમાં જવાબદેહ ઠેરવીશું. બંગાળના લોકો નસ્લવાદ, અપમાન કે બહિષ્કારની રાજનીતિને સહન નહીં કરે. 2026માં જે લોકો ભય અને ઉત્પીડનનો વેપાર કરે છે, તેમને મતદારો દ્વારા નિર્ણાયક ચૂકાદો મળશે. ન્યાયની શરૂઆત થઈ ગઈ છે. બંગાળના લોકોની ગરિમા, અધિકાર અને ભાષાની રક્ષા કરવાનો અમારો સંકલ્પ અટલ છે.’
બંગાળના મંત્રી ડૉ. શશિ પંજાએ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘કોલકાતા હાઈકોર્ટે સવાલ ઊઠાવ્યો કે કેવી રીતે છ લોકો, જેમાં એક ગર્ભવતી મહિલા સામેલ છે, જેઓ બંગાળમાં જન્મેલા ભારતીય નાગરિકો છે, તેમને દિલ્હીની દુષ્ટ તાકાતોએ જબરદસ્તીથી બાંગ્લાદેશ મોકલી દીધા. ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકાર અને જવાબદારોને પૂછ્યું, ‘આ કોણે કર્યું? આ નિર્વાસન ગેરકાયદે છે. તેઓ ભારતીય છે. તે દિલ્હીમાં કામ કરી રહી હતી, પરંતુ તમે તેને બાંગ્લાદેશ મોકલી દીધી?’
ઉલ્લેખનીય છે કે,આ મામલો બંગાળમાં રાજકીય તણાવ વધારી રહ્યો છે. ટીએમસી આને કેન્દ્રની બંગાળી-વિરોધી નીતિનો પુરાવો ગણાવી રહી છે, જ્યારે ભાજપ તરફથી આ અંગે ચૂપ્પી જાળવવામાં આવી છે. વિપક્ષે આ સમગ્ર ઘટનાને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ ‘ઝોળીમાં લટકતો વિકાસ’: રસ્તાના અભાવે સગર્ભાને 5 KM ઊંચકીને હોસ્પિટલ પહોંચાડી
આ પણ વાંચોઃ એશિયા કપ 2025: ફાઈનલ મેચ પહેલા ટીમ ઈંડિયાને મોટો ફટકો પડ્યો, શું અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા નહીં રમે?












