ગુજરાતટ્રેન્ડિંગ

‘ઝોળીમાં લટકતો વિકાસ’: રસ્તાના અભાવે સગર્ભાને 5 KM ઊંચકીને હોસ્પિટલ પહોંચાડી

છોટા ઉદેપુર, તા. 27 સપ્ટેમ્બર, 2025: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામમાં મૂળભૂત સુવિધાના અભાવે માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી હતી. ગામમાં વાહનવ્યવહાર માટે રસ્તાનો અભાવ હોવાથી, પ્રસૂતિની પીડા ઉપડ્યા બાદ એક મહિલાને પાંચ કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને લઈ જવાની ફરજ પડી હતી. આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે, ત્યારે માતા બનવા જઈ રહેલી આ સગર્ભાએ જે મુશ્કેલી અને પીડા વેઠી, તે વહીવટી તંત્રના બહેરા કાનો સુધી પહોંચી શકી નથી.ઉલ્લેખનીય છે કે, દસેક દિવસ પહેલાં જ આ જ વિસ્તારમાં રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને સમયસર હોસ્પિટલ ન પહોંચાડી શકાતા તેનું મોત થયું હતું.

આંબાડુંગર ગામના મનુકલા ફળિયામાં રહેતા 22 વર્ષીય કોકિલાબેન અરવિંદભાઈ ભીલને ગઈકાલે બપોર બાદ પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં વાહન વ્યવહાર માટે રસ્તો ન હોવાથી, પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક કાપડની ઝોળી બનાવી તેમને તેમાં બાંધ્યા હતા. ડુંગરાળ અને ખીણવાળા જોખમી રસ્તાઓ પરથી આ લોકો લગભગ બે કલાક ચાલીને પ્રસૂતાને હાફેશ્વર પહોંચાડ્યા હતા. હાફેશ્વર પહોંચ્યા બાદ ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા કોકિલાબેનને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે, ત્યાં કોકિલાબેને સુરક્ષિત રીતે બાળકને જન્મ આપ્યો હતો. આ તેમની ત્રીજી પ્રસૂતિ હતી.

છેલ્લા એક વર્ષમાં બે મહિલાઓના મોત

છોટા ઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાઓને ઝોળીમાં ઊંચકીને લઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. સ્થાનિક અહેવાલો મુજબ, છેલ્લા એક વર્ષમાં દસથી વધુ પ્રસૂતા મહિલાઓને ઝોળીમાં લઈ જવામાં આવી છે, જેમાંથી બે મહિલાઓને સમયસર સારવાર ન મળવાથી રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

આ ઘટનાઓ વહીવટીતંત્રના ઉદાસીન વલણ પર ગંભીર સવાલ ઊભા કરે છે, જેના કારણે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના લોકો, ખાસ કરીને પ્રસૂતા મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે.

Back to top button