STF ને મળી મોટી સફળતા, કુખ્યાત ગેંગસ્ટર અમન ભૈંસવાલ અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લાવવામાં આવ્યો

એક મોટા આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં, હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ બુધવારે કુખ્યાત સોનીપત ગેંગસ્ટર અમન ભૈંસવાલને ભારત લાવવામાં સફળતા મેળવી. હિમાંશુ ભાઉ ગેંગના સભ્ય આ શાર્પશૂટરને ઇન્ટરપોલ અને ગૃહ મંત્રાલયના સહયોગથી યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. STF ટીમે દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ તેની અટકાયત કરી હતી.
નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને અમેરિકા પહોંચ્યો હતો
મૂળ સોનીપતના ભૈંસવાલ કલાન ગામનો રહેવાસી, અમન ભૈંસવાલ સામે હત્યા અને ખંડણી સહિત 10 થી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અમનએ દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં નકલી સરનામે અમન કુમારના નામે પાસપોર્ટ મેળવ્યો હતો અને 2025 માં અમેરિકા ભાગી ગયો હતો. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ગોહાના સદર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો અને ઇન્ટરપોલને માહિતી મોકલી હતી.
રોહતકના સાંપ્લામાં સીતારામ હલવાઈની દુકાન પર તાજેતરમાં થયેલા ગોળીબારમાં અમન ભૈંસવાલનું નામ મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યું હતું. હુમલા દરમિયાન, ગુનેગારોએ એક ચિઠ્ઠી ફેંકી હતી, જેમાં 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આ્વી હતી અને તેમાં અમન ભૈંસવાલ ગ્રુપનું નામ લખેલુ હતું. ગોહાનામાં પણ માતુરામ હલવાઈ ઘટનામાં તેની સંડોવણીના પુરાવા મળી આવ્યા હતા. તે કુખ્યાત હિમાંશુ ભાઉ ગેંગ માટે કામ કરતો હતો.
હરિયાણા એસટીએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમન ભૈંસવાલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવશે જેથી વિદેશમાં બેઠેલા તેના અન્ય સહયોગીઓ અને માસ્ટરોના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે. ઉલ્લેખનીય છે કે હરિયાણા STF અત્યાર સુધીમાં વિદેશ ભાગી ગયેલા આઠથી વધુ મોટા ગેંગસ્ટરોને ભારત પાછા લાવવામાં સફળ રહી છે, જેમાં મનપાલ અને જોગેન્દ્ર ગ્યોગ જેવા નામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તીવ્ર ચર્ચા: “કૂતરાના મનને કોણ વાંચી શકે?”












