ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરામાં સાયબર ઠગોનો નવો કિમીયો: ટ્રાફિક ચલણની ફેક લિંક મોકલી એન્જિનિયર મહિલાના ખાતામાંથી રૂ. 4.58 લાખ ઉપાડી લીધા

Vadodara Fake Traffic Challan APK Fraud: વડોદરા શહેરમાં સાયબર ઠગોએ નાગરિકોને નિશાન બનાવવાની નવી અને ખતરનાક મોડસ ઓપરેન્ડી અપનાવી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી 45 વર્ષીય મહિલા એન્જિનિયર સાથે રૂ. 4,58,312 ની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ વાહન પર ટ્રાફિક ચલણ ઇશ્યૂ થયું હોવાનો ખોટો એસએમએસ (SMS) મોકલીને અને મોબાઇલમાં નકલી APK એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવ્યા બાદ UPI મારફતે બેંક ખાતામાંથી નાણાં સેરવી લીધા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લાઇસન્સ સસ્પેન્ડ કરવાની આપી ધમકી

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં પરિવાર સાથે રહેતી 45 વર્ષીય મહિલા એન્જિનિયર ગત 26 ઓક્ટોબર ના રોજ પોતાની ઓફિસમાં હાજર હતી, ત્યારે તેમના મોબાઈલ પર ‘AX-VAAHAN-S’ નામના સેન્ડર આઈડી પરથી ત્રણ શંકાસ્પદ મેસેજ આવ્યા હતા. આ મેસેજમાં તેમના વાહન સામે ટ્રાફિક ચલણ ઇશ્યૂ થયાનું જણાવાયું હતું. પ્રથમ મેસેજમાં CMVR ના નિયમોના ભંગ બદલ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું લખીને પાંચ દિવસની અંદર RTO સમક્ષ ખુલાસો કરવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, ચલણની રકમ ભરવા અને કોર્ટમાં કેસ મોકલવા અંગેના મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા.

APK ફાઇલ ડાઉનલોડ કરવી પડી મોંઘી

શરૂઆતમાં ઓફિસના કામમાં વ્યસ્ત હોવાને કારણે મહિલાએ તે મેસેજ તરફ ધ્યાન આપ્યું નહોતું. પરંતુ, 31 ઓક્ટોબરની રાત્રે અંદાજે 12:31 વાગ્યે તેમણે તે મેસેજ વાંચ્યા અને કોર્ટમાં ચલણ મોકલવા અંગેની લિંક પર ક્લિક કરતા જ મોબાઇલમાં ‘Mparivahan_NextGen.apk’ નામની શંકાસ્પદ APK ફાઇલ ઓપન થઈ ગઈ હતી. તેમણે અજાણતા જ તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી અને એપ દ્વારા માંગવામાં આવેલી તમામ પરમિશનને મંજૂરી આપી દીધી હતી, જે તેમની મોટી ભૂલ સાબિત થઈ હતી.

બેંક ખાતામાંથી રૂ. 1 નું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન

એપ ઇન્સ્ટોલ કર્યાના થોડા દિવસો બાદ, 31 ઓક્ટોબરની વહેલી સવારે 3:54 વાગ્યે તેમના મોબાઈલ પર કેનેરા બેંકના નામે UPI પિન જનરેટ કરવા માટેનો OTP આવ્યો હતો. મહિલાએ આવી કોઈ પ્રક્રિયા ન કરી હોવા છતાં સવારે 3:59 વાગ્યે તેમના કેનેરા બેંક ખાતામાંથી રૂ. 1 નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું. આ ઘટના બાદ તરત જ બેંકિંગ વ્યવહારો અને અલગ-અલગ OTP ને લગતા આશરે 108 જેટલા મેસેજ એકસાથે તેમના ફોન પર પડાપડી કરી ગયા હતા. સવારે 4:06 વાગ્યે કોઈ અજાણ્યા નંબર પરથી મિસ્ડ કોલ પણ આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બેંકમાંથી કુલ રૂ. 4.58 લાખ ઉપડી ગયા

આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે 4 નવેમ્બરના રોજ તેમના ICICI અને HDFC બેંક ખાતામાંથી અજાણ્યા શખસોએ UPI મારફતે નાણાં ઉપાડી લીધા હતા. આ દરમિયાન બેંકોના ટોલ ફ્રી નંબર પરથી ટ્રાન્ઝેક્શનની ખરાઈ કરવા માટે પાંચ વખત ફોન પણ આવ્યા હતા, પરંતુ ફરિયાદી મીટિંગમાં વ્યસ્ત હોવાને કારણે ફોન રીસીવ કરી શક્યા નહોતા. બાદમાં બેંકમાંથી તપાસ કરતા બંને ખાતામાંથી કુલ રૂ. 4,58,312 કપાઈ ગયા હોવાની જાણ થઈ હતી. પીડિત મહિલાએ ત્વરિત 4 નવેમ્બરના રોજ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર અને 6 નવેમ્બરના રોજ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદના મકરબામાં રૂ. 70 કરોડની જમીન કૌભાંડ: બોગસ દસ્તાવેજો બનાવી 115 વીઘા જમીન હડપનાર 8 શખસો સામે ફરિયાદ

Back to top button