PM મોદીની અપીલને અમલમાં મુકતા ગુજરાત યુનિવર્સિટીએ લાગુ કરી કાર પૂલિંગ વ્યવસ્થા

Car Pooling: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને વર્ક ફ્રોમ હોમ અપનાવવાની અપીલ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ પોતાના સ્ટાફ માટે કાર પૂલિંગની વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ગુજરાત યુનિવર્સિટી દેશની પહેલી સરકારી યુનિવર્સિટી બની છે, જેણે પીએમ મોદીની અપીલને વ્યવહારિક રીતે અમલમાં મૂકી છે.
યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે વડાપ્રધાનની અપીલને સમર્થન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે કર્મચારીઓ પોતાની કારથી યુનિવર્સિટી આવે છે, તેઓએ હવે સમાન રૂટ પર આવતા અન્ય કર્મચારીઓને સાથે લઈ આવવું પડશે. આ પગલાથી કેમ્પસમાં વાહનોની સંખ્યા ઘટશે અને ઇંધણની પણ સારી બચત થશે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
હાલમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું નથી કારણ કે યુનિવર્સિટીમાં ટીચિંગ સ્ટાફનું વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ કોલેજોની ફાઇનલ પરીક્ષાઓ ચાલુ હોવાથી વહીવટી અને નોન-ટીચિંગ સ્ટાફની હાજરી જરૂરી છે. પરીક્ષાઓ પૂર્ણ થયા પછી વર્ક ફ્રોમ હોમ અંગે ફરીથી સમીક્ષા કરવામાં આવશે.
PM મોદીની અપીલ
11 મેના રોજ વડોદરામાં સરદાર ધામ-3ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ખાનગી વાહન જરૂરી હોય તો શક્ય હોય તેટલા લોકોને સાથે લઈને કારપૂલિંગ કરવું જોઈએ. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રોનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તેમણે કોરોના સમયની જેમ વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ મીટિંગ અને ઓનલાઇન ક્લાસને પણ પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. આ જ અપીલ તેમણે હૈદરાબાદમાં પણ ફરીથી રિપીટ કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીના આ નિર્ણયને યુનિવર્સિટી સમુદાય અને વિદ્યાર્થીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પગલું ઇંધણની બચત સાથે પર્યાવરણના સંરક્ષણ અને ટ્રાફિક ઘટાડવામાં પણ મદદરૂપ બનશે.
આ પણ વાંચો: 55 વર્ષ પૂર્ણ કરનારા બિનકાર્યક્ષમ સરકારી કર્મચારીઓ પર સરકારની નજર, સમય પહેલાં નિવૃત્તિની પ્રક્રિયા શરૂ












