ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં પાક સૂકાવાનો ભય

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ મોટો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું. જોકે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતાં ખેડૂતોની ચિંતા વધી છે. સમયસર વરસાદ નહીં પડે તો મગફળી, કપાસ, તલ અને કઠોળ સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ નોંધાયો હતો. નવસારી, સુરત, ભરૂચ અને ડાંગ સહિતના જિલ્લાઓમાં એક સમયે ભારે વરસાદ પણ વરસ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં વરસાદની ઘટ

દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી પૂરતો વરસાદ ન પડતાં ખેતી પર અસર જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોના દાવા મુજબ કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી નોંધપાત્ર વરસાદ થયો નથી અને પાકને બચાવવા માટે તાત્કાલિક પાણીની જરૂર છે.

ખેડૂતોનું કહેવું છે કે સરકારની અગાઉની દુષ્કાળ સહાય સંબંધિત જોગવાઈઓને ધ્યાનમાં રાખીને વરસાદની લાંબી ખેંચની સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને જરૂરી રાહત જાહેર કરવી જોઈએ. ખેડૂતો દ્વારા આ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં સિંચાઈની અછતથી મુશ્કેલી

સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતીનું પ્રમાણ વધુ હોવાથી લાંબા સમય સુધી વરસાદ ન પડે તો પાક પર સીધી અસર થાય છે. અનેક સ્થળોએ પૂરતી સિંચાઈ વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં ઊભેલો પાક પાણીના અભાવે મુરઝાવા લાગ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતો માટે હવે આગામી દિવસોમાં વરસાદ અત્યંત મહત્વનો બની ગયો છે. વાવેતર પાછળ થયેલો ખર્ચ માથે પડે તેવી ચિંતા વચ્ચે ખેડૂતોની નજર સતત આકાશ તરફ મંડાયેલી છે.

મગફળી, કપાસ, તલ અને કઠોળને નુકસાનનો ભય

વરસાદની ખેંચ લાંબી ચાલે તો ખાસ કરીને મગફળી, કપાસ, તલ, અડદ તેમજ અન્ય તૈલીબિયાં અને કઠોળના પાકને નુકસાન થઈ શકે છે. જમીનમાં ભેજ ઘટતાં પાકની વૃદ્ધિ અટકવા ઉપરાંત ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી શકે છે.

ખેડૂતોનું કહેવું છે કે પાક બચાવવા માટે હવે તાત્કાલિક વરસાદ અથવા સિંચાઈ માટે પાણી મળવું જરૂરી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ નહીં પડે તો અનેક વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની શક્યતા ઊભી થઈ શકે છે.

ક્યાંક ટ્રેક્ટર ફેરવ્યા, ક્યાંક પશુઓને પાકમાં છોડી દીધાં

રાજકોટ સહિત દ્વારકા, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન વધતાં ખેડૂતો નિરાશ બન્યા છે. કેટલાક ખેડૂતોએ પાક બચવાની આશા ન રહેતાં ખેતરોમાં ટ્રેક્ટર ફેરવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. ક્યાંક ખેડૂતો પાકનો ઉપયોગ પશુચારા તરીકે કરવા માટે પશુઓને ખેતરમાં છોડી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

હવે ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરાવે, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરે અને પાકને નુકસાન થયું હોય ત્યાં યોગ્ય સહાય તથા વળતર અંગે નિર્ણય લે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ શું રહે છે તેના પર સમગ્ર ચોમાસુ પાકનું ભવિષ્ય નિર્ભર રહેશે.

આ પણ વાંચો: અમદાવાદના થલતેજમાં 26 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, 11મા માળેથી પડતાં મોત

Back to top button